ઘણીવાર સરસ રીતે ઉંઘ એવી ગયા બાદ અચાનક અડધી રાત્રે ઉંઘ ઉડી જતી હોવાનું અનુભવાય છે. ઘણા લોકો આ સરખી ફરિયાદ કરતા હોય છે. નાનપણ થી આપણે સાંભળતા આવ્યા છીએ કે રાત્રે ચા – કોફી પીવાથી ઊંઘ ઉડી જાય છે અથવા એસિડિટી થવા થી , છાતી માં બળતરા થવા થી પણ રાત્રે ઉંઘ ઉડી શકે છે. વળી, વધુ પડતી વિચારશીલતા, ચિંતા, સ્ટ્રેસ , ઉત્તેજના જેવા મનોવૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોઈ શકે. પરંતુ આ ઉપરાંત અન્ય પણ કારણો છે, જે રાત્રે ઉંઘ ઉડી જવા માટે જવાબદાર હોઈ શકે. કેટલીક ખાન પાન ની અયોગ્ય આદતો અને કેટલીક ખોટી જીવનશૈલી આ માટે કારણભૂત હોઈ શકે.
તો આવો આજે આ કારણો સમજીએ...
1. વધુ પડતાં ચરબી ધરાવતા ફસ્ટફૂડ – જંક ફૂડ:- આ પ્રકાર નો આહાર તત્કાલીન પેટ ને સેચ્યુરેટેડ ચરબી થી ભરી દે છે. પરંતુ પછી તેને પચાવવા માટે ઇન્સ્યુલીન નો મોટો જથ્થો ઉત્પન્ન થાય છે જેના કારણે અડધી રાત્રે બ્લડ શુગર અત્યંત ઓછી થઈ જાય છે અને અડધી રાત્રે ઉંઘ ઉડી જાય છે. એથી રાત્રે ડિનર માં ખૂબ મોડેથી પીઝા, બર્ગર, મટન, બટાકા ની ચિપ્સ જેવા પદાર્થો ટાળવા જોઈએ.
2. તીખો તમતમતો આહાર :- અથાણાં, ગરમ મસાલા ધરાવતો ખોરાક, ટામેટા ના સોસ,. આથા વાળો ખોરાક જેવા પદાર્થો જો રાત્રે મોડે થી લેવામાં આવે તો તેને પચાવવા માટે જઠર માં મોટી માત્ર માં હૈદ્રોકલોરીક એસિડ ઉત્પન્ન થાય છે. આ એસિડ છાતી માં બળતરા ઉત્પન્ન કરે છે અને અડધી રાત્રે ઉંઘ ઉડાડી શકે છે. આથી, રાત્રે જમવાનું બને એટલું સાદું અને પચવામાં સરળ હોય એવું હોવું જોઈએ.
3. આલ્કોહોલ :- માન્યતા એવી છે કે દારૂ ના સેવન થી ઊંઘ આવે છે. પરંતુ હકીકત માં સંશોધનો અનુસાર, આલ્કોહોલ લીધા ના ૪ થી ૫ કલાક બાદ અજંપો ( રેસ્ટલેસનેસ) અનુભવાય છે. આ અજંપા ને પરિણામે ઊંઘ ઊડી જાય છે.
4. કેફીન:- કોફી નું કેફેન રાત ની ઊંઘ ઉડાડવા માટે જવાબદાર સાબિત થઈ શકે. લોકો કોફી થી ઊંઘ નહિ આવે એમ સમજી ને રાત્રે કોફી ને બદલે કોકો પીવાનું પસંદ કરે છે પરંતુ એ સમજી લેવું જરૂરી બને કે કોકો માં પણ સારી એવી માત્રા માં કેફીન હોય છે જેથી તે પણ ઊંઘ ઉદી જવા માટે જવાબદાર હોઈ શકે.
5. ગ્રીન ટી :- ગ્રીન ટી મેટાબોલિઝ્મ ને ઝડપી બનાવે છે. આખા દિવસ દરમ્યાન મેટાબોલિઝ્મ ઝડપી કરવા માટે ગ્રીન ટી સહાયક છે પરંતુ રાત્રે જ્યારે આપણી મેટાબોલિઝ્મ ને શાંત કરવાની જરૂર હોય છે, તો એવા સમયે ગ્રીન ટી ચયાપચય ની ક્રિયા ઝડપી બનાવશે જેથી ઊંઘ ઊડી જશે.
6. રાત્રે કસરત કરવી :- કસરત કરવાનો યોગ્ય સમય સવારે જ્યારે શરીર પૂરતો આરામ મેળવી લે પછી છે. ઘણા લોકો સમય ના અભાવે કે અન્ય કારણોસર રાત્રે જમ્યા પછી કસરત કરવાનું પસંદ કરે છે. આવા સંજોગો માં ભોજન બાદ જે એનર્જી નો ઉપયોગ પાચન માટે થવો જોઈએ એ એનર્જી એક્સરસાઇઝ માં વપરાઈ જાય છે અને એથી ખાધેલો ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી. આ અપૂરતો પચેલો આહાર થોડા કલાક પછી ગેસ ઉત્પન્ન કરે છે જે છાતી માં ગભરામણ ઉત્પન્ન કરી અડધી રાત્રે ઉંઘ ઉડાડી શકે છે. એથી રાત્રે કસરત કરવાનું ટાળવું જોઈએ.
7. મૂત્રાશય ભરાઈ જવું :- સંધ્યાકાળ બાદ ખૂબ વધુ પ્રમાણ માં પાણી પીવા થી રાત્રિ ના સમયે મૂત્રાશય ભરાઈ જતાં મુત્રત્યાગ માટેની શંકા જતા ઉઠી જવું પડે છે. આવા સંજોગો માં રાત્રિ ભોજન બાદ વધુ પાણી ન પીતાં માત્ર ગળું ભીંજાય એટલું પાણી જ પીવું. બાકી આખા દિવસ દરમ્યાન દર થોડી મિનીટ થોડું પાણી પી ને આખા દિવસ ની પાણી ની જરૂરીયાત પુરી કરવી.
આમ, થોડા ફેરફારો રાત્રે ગાઢ નિંદ્રા લાવવા માં મદદરૂપ થઈ શકે.
Comments