શિયાળો આવતાં જ ચોખ્ખુ, પાતળી ચામડી વાળું આદુ શાક માર્કેટ માં દેખાવા માંડે. આપણા ભારતીય આહાર શાસ્ત્ર અને સ્વાસ્થ્ય વિજ્ઞાન માં આદુ પોતાનું સ્પેશિયલ સ્થાન ધરાવે છે. ભારતીય કુઝીન માં દાળ અને શાક આદુ ની ફ્લેવર વગર સ્વાદિષ્ટ બની જ ન શકે. અને આપણા વડવા ઓ કહે કે, ભારે ખોરાક માં આદુ ઉમેરવાથી તે વાયડો ન પડે , સરળતા થી પચી જાય.
આદુ આખું દાળ – શાક ના મસાલા માં, રસ તરીકે જ્યુસ અને અન્ય પીણા માં, સૂંઠ સ્વરૂપે વાસણા અને મસાલાઓ માં, મુખવાસ માં તથા અથાણાં તરીકે બારેમાસ વપરાય છે.
તો આજે આવા ખૂબ મહત્વના એવા આ આદુ અને એના થી સ્વાસ્થ્ય ને થતાં ફાયદા વિશે જાણીએ.
1. પાચનક્રિયામાં મદદરૂપ :- વર્ષોથી આપણા આયુર્વેદમાં ગેસ , અપચો અને અજીર્ણ ના અકસીર ઈલાજ માટે આદું નો બહોળો ઉપયોગ કરવા જણાવાયું છે. વૈજ્ઞાનિક શોધ કહે છે કે આદુ માં રહેલ ૬- જીંજેરોલ નામનું તત્વ પાચનતંત્ર ના અંદર ના સ્નાયુઓ નું રિપેર કરવાનું કામ કરે છે. અને આમ, અયોગ્ય ખોરાક દ્વારા પાચનતંત્ર ના નુકસાન થી આદુ અટકાવે છે.
2. કેન્સર માં ફાયદો :- આદુ માં રહેલ ' શોગાઓલ ' નામનું તત્વ કેન્સર ના કોષો નો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરી સ્વાદુપિંડ અને બ્લેડર ના કેન્સર માં આદુ નો રસ ખૂબ લાભદાયી પુરવાર થયો છે.
3. ડાયાબિટીસ માં ઉપયોગી :- ૨૦૧૩ માં 'ઝેંજેન મેટાબોલિક ડિસિઝ રિસર્ચ સેંટર ' દ્વારા કરાયેલ અભ્યાસ અનુસાર, આદુ સુકાયા બાદ ( સૂંઠ) તેમાં ફ્લેવેનોઇડ્સ અને ટેનીન ઉત્પન્ન થાય છે જે કોષો નો ' ઇન્સ્યુલીન રેઝિસ્ટનસ ઘટાડી, બ્લડ શુગર લેવલ માં ઘટાડો કરે છે. આમ, સૂંઠ નો ઉપયોગ ડાયાબિટીસ માં અકસીર પુરવાર થઈ શકે. દિવસ દરમ્યાન બનતા ભોજન માં ખાસ કરી બપોર અને રાત્રી ના ભોજન માં એક એક નાની ચમચી આદુ નો ઉપયોગ ફાયદો કરી શકે.
4. માસિકધર્મ દરમ્યાન રાહત :- ઘણી યુવતીઓ, માસિક ધર્મ દરમિયાન પેટ માં દુઃખાવા થી પીડાય છે. આ સંજોગો માં જો સવાર – સાંજ હુંફાળા પાણી માં આદુ + ગોળ નું પાણી પીવાથી દુખાવામાં રાહત થઇ શકે.
5. હાઇપરટેન્શન ઘટાડે :- આદુ માં રહેલું સેલીસિલિક એસિડ ( જે મોટેભાગે એસ્પીરીન ગ્રુપ ની દવાઓ નો મુખ્ય ભાગ છે ) રકતનાલિકા ઓ ને પહોળી કરે ( વાઝો ડાઇલેટેશન) છે એમ મનાય છે. આ કારણ થી ઉંચા બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિ માટે આદુ વળી ચા દવા નું કામ કરશે.
6. સંધિ વા ( આર્થરાઇટિસ ) માં જાદુઈ :- અભ્યાસો કહે છે કે આદુ ના ફીનોલ નામના રસાયણો સાંધા ના દુઃખાવા માં જાદુઈ અસર કરે છે. રોજ નરણાં કોઠે ગરમ પાણી માં આદુનો રસ અથવા સૂંઠ ભેળવી પીવાથી વા ના દુખાવામાં દેખીતો ઘટાડો જોવા મળે છે.
7. સ્થૂળતા થી છુટકારો :- આદુ નો રસ આંતરડા માં ચરબી નું અધિશોષણ અટકાવે છે તેમ પ્રયોગો દ્વારા માલમ પડ્યું છે. એથી ભોજન માં આદુનો મહત્તમ ઉપયોગ કરવા થી અને ચરબીયુક્ત ખોરાક ઓછો કરવા થી ચરબી નો ઘટાડો થાય છે.
8. અસ્થમા માં અસરકારક :- આદું ના જિંજેરોલ શ્વાસનળી ના સોજા ને ઘટાડતું હોવાનું માલમ પડે છે. આમ, અસ્થમા ના દર્દીઓ માં આદુ ના ઉપયોગ થી શ્વાસ લેવા માં રાહત રહે છે.
આટલું જાદુઈ એવા આદું નો આવો, આ શિયાળે ભરપુર ઉપયોગ કરી સ્વસ્થ રહીએ.
અલબત,
વધુ પડતું આદુ કે સૂંઠ નું સેવન હાઇપર એસિડિટી , પેટમાં બળતરાં અને ગળા તથા મોઢા માં ચાંદા માટે જવાબદાર હોઈ શકે.
હંમેશા ડાયેટિશિયન ની સલાહ મુજબ સેવન કરો.
Comments