કોરોના ની વેક્સિન લેવી કે ન લેવી? એના પર લાંબી ચર્ચાઓ ચાલ્યા બાદ , કોરોના એ વેરેલી તારાજી થી ડરેલા લોકો હવે ધીરે ધીરે કોરોના માટેની રસી મુકાવવા તૈયાર થયા ત્યારે રસીઓ ઘટી પડી…
ખૈર…આ અંકે આપણે એ જાણીએ કે વેક્સિન આપણા શરીરમાં શું કાર્ય કરે છે અને વેક્સિન લીધા પછી ઓછા માં ઓછી આડ અસર થાય એ માટે શરીર ને કઈ રીતે તૈયાર કરવું !
વેક્સિન એટલે શું અને તે આપણા શરીર માં દાખલ થયા પછી શું કાર્ય કરે છે?
આપણા શરીર માં રોગ ઉત્પન્ન કરતાં જીવાણુઓ અને વિષાણુ ઓ પ્રવેશે તેવી જ આપણા શરીર ની ' ડિફેન્સ સિસ્ટમ ' એક્ટિવ થઈ જાય છે અને એ જીવાણુઓ નો સામનો કરવા માટે લશ્કર ઉભુ કરે છે જેને આપણે ‘ એન્ટીબોડી ‘ તરીકે ઓળખીએ છીએ. આપણા લોહીમાં રક્ત કણો હોય છે તે કોષોમાં ઓકસીજન પહોચાડવાનું કામ કરે છે જ્યારે શ્વેત કણો શરીર માં પ્રવેશેલા જીવાણુઓ સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે અને વળી, એ જીવાણુઓ ને યાદ રાખી ફરી જ્યારે પણ એ જીવાણુઓ નો હુમલો થાય ત્યારે ફરી એ જ પ્રકાર ના એન્ટીબોડી ઉત્પન્ન કરે. ‘ વેક્સિન ‘ એ જે – તે રોગના વાઇરસ ના શરીર નો પ્રોટીન થી બનેલો નિષ્ક્રિય ભાગ છે જે આપણા શરીર માં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે. આ દાખલ થયેલા વાઇરસ ના ભાગ સામે લડવા માટે આપણું શરીર એન્ટીબોડી તૈયાર કરે છે. શ્વેત કણોમાં આવેલ મેમરી સેલ આ વાઇરસ ને યાદ રાખે છે, જેથી જ્યારે પણ આ વાઇરસ આપણા શરીર પર હુમલો કરે ત્યારે આપણું શરીર એની સાથે લડવા માટે તૈયાર હોય. અલબત, કોરોના માટેની વેક્સિન સામે મેમરી સેલ કેટલો લાંબો સમય યાદ રાખીને એન્ટીબોડી ઉત્પન્ન કરી શકશે તે વિશે સંશોધનો ચાલુ છે.
અહીં, વાઇરસ ના શરીર નો નિષ્ક્રિય ભાગ આપણા શરીર માં દાખલ થાય અને આપણું શરીર એને અનુરૂપ એન્ટીબોડી બનાવે તે દરમ્યાન દરેક શારીરિક અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. કોઈક ને તાવ આવે, કોઈક ને શરદી , કોઈક ને શરીર નો દુખાવો તો કોઈ ને ઇન્જેક્શન મૂક્યું હોય તે હાથ માં સખત કળતર થાય છે. આ લક્ષણો માત્ર થોડા સમય માટે હોય છે જે ૨-૩ દિવસ માં જતાં રહે છે. પરંતુ આ લક્ષણો થી ડરી ને રસી ન મુકાવવી એ મૂર્ખામી ભરેલો નિર્ણય છે. રસી મુકાવવાથી કોરોના ના વાઇરસ જો શરીર માં પ્રવેશે તો પણ શરીર ના અંગોને વધુ નુકસાન થતું નથી જેના પુરાવાઓ આપણી સમક્ષ હાજર જ છે.
તો આવો, આ અંકે રસી લીધા બાદ આવતા લક્ષણો બને એટલા મંદ અને ઓછા દુઃખદાયક બની રહે તે માટે શરીર ને યોગ્ય ખોરાક દ્વારા કઇ રીતે સજજ કરીશું તે સમજીએ.
• હળદર :- હળદર નો ઉપયોગ યુગોથી આપણા દેશ માં એન્ટિ ઇન્ફલમેટરી ફૂડ તરીકે થાય છે . હળદરનું નિયમિત સેવન કરવાથી સોજો ઉતરે છે. વેક્સિન લીધા ના એક અઠવાડિયા પહેલાં અને એક અઠવાડિયા પછી ઓર્ગેનિક હળદર વાળા દૂધનું સેવન મદદરૂપ થઈ શકે.
• લસણ :- લસણ માં સલ્ફર અને ફોસ્ફરસ ઊંચા પ્રમાણ માં હોય છે . સલ્ફર કોષોને થતાં નુકસાનથી બચાવે છે.લસણ માં રહેલું ફોસ્ફરસ એન્ટીબોડી ના ઉત્પાદન માટે જરૂરી છે એવું પ્રાયોગિક ધોરણે પુરવાર થયેલ છે. રસી લીધા બાદ એન્ટીબોડી ના ઝડપી ઉત્પાદન માટે દિવસ દરમ્યાન લસણ ની ૩-૪ કળી કોઈ પણ સ્વરૂપે લેવી જરૂરી છે.
• આદુ :- આદુ કુદરતી દર્દ નિવારક તરીકે આયુર્વેદ માં સ્થાન પામ્યું છે. આદુ ના સેવન થી દુખાવામાં રાહત અનુભવાય છે. વેક્સિન મુકાવ્યા બાદ દિવસ ના ૩ વાર આદુ , લીંબુ અને મધ નું સેવન દુખાવા માં રાહત આપે છે.
• લીંબુ અને વિટામિન સી યુક્ત ફળો :- આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન સી રોગપ્રિકારકશક્તિ વધારે છે. અને રસીકરણ બાદ થોડો સમય રોગપ્રિકારકશક્તિ ઘટવાની સંભાવનાં રહેલી હોય છે. આવા સમયે જો વિટામિન સી નો સરો એવો સંગ્રહ શરીર માં યોગ્ય રીતે થયેલો હોય તો એ રોગપ્રિકારકશક્તિ ને ઘટવા દેતાં નથી.
• લીલી ભાજી :- લીલી ભાજી ઓ ફિનોલિક કમ્પાઉન્ડ ધરાવે છે જે ઇમ્યુનીટી વધારવામાં મદદરૂપ થઈ રસીકરણ પછી થઈ શકનાર બીમારી થી શરીર ને બચાવે છે.
• કઠોળ ઈંડા અને ચિકન સૂપ:- આ સૌ ખાદ્યપદાર્થો પ્રોટીન થી ભરપુર હોઈ શરીર ને ઢીલું પાડવા દેતાં નથી. રસીકરણ બાદ જરૂર થી વધુ પ્રોટીન ધરાવતા પદાર્થો નું સેવન કરો.
રસીકરણ વખતે શું ન કરવું ? :- રસીકરણ કરાવો ત્યારે નીચે મુજબ ના પદાર્થો નુંસેવં નુકસાન કરી શકે છે. આથી , રસી મૂકવામાં આવે ત્યારે પહેલા ૧ અઠવાડિયું અને રસી મુકાવ્યા ૩ અઠવાડિયા સુધી સેવન ન કરવું હિતાવહ છે.
• ધૂમ્રપાન ન કરવું.
• બ્લેક કોફી અને રેડબુલ જેવા એનર્જી ડ્રીંક જેવા વધુ કેફીન યુક્ત પીણાં ન પીવા.
• દારૂ ન પીવો.
• વેક્સિન મુકાવવા જતી વખતે ખાલી પેટ ન જવું. બરાબર જમ્યા બાદ જ રસી મુકાવવી.
આમ, બિલકુલ ભયભીત થયા વગર પરંતુ સંપૂર્ણ સજ્જ થઈ ને આવો, રસી મુકાવી એ અને કોરોના નો સામનો સ્વસ્થતા થી કરીએ.
Comments