લ્યો પાછી અધિક માસ આવ્યો. આપણે એને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ.
ભૌગોલિક અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભારત માં બે કેલેન્ડર પ્રવર્તમાન છે. સૂર્ય કેલેન્ડર કે જે ૩૬૫ દિવસ નું હોય અને ચંદ્ર કેલેન્ડર કે જે ૩૫૪ દિવસ નું હોય. આ બે કેલેન્ડરો વચ્ચે જે દિવસો નો ગાળો પડે, એ ગાળો વધી ને ૩૨ મહિના અને ૧૬ દિવસે એક મહિના જેટલો થાય. અહી, આ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડર ને બેલેન્સ કરવા જતાં એક મહિનો વધારા નો એટલે કે અધિક પડે જેને આપણે ' અધિક માસ ' તરીકે ઓળખીએ છીએ.
આ અધિક માસ માં હિન્દુ માન્યતા અનુસાર કોઈ તહેવાર કે શુભ કર્યો કરાતા ન હોઈ, અહી દિવસો દાન- પુણ્ય ના અને ધાર્મિક કાર્યો માં પસાર કરવા જોઈએ. અહી, લોકો ધાર્મિક કાર્યો ની સાથોસાથ ઉપવાસ કરી આત્મશુદ્ધિ કરવાને પણ ખૂબ મહ્ત્વ આપે છે. કેટલાક લોકો અધિક મહિના માં સોમવાર ના ઉપવાસ કરે તો કેટલાક લોકો અખો મહિનો એકટાણું કરતાં હોય છે.
હવે , આ વખતે અધિક માસ આવ્યો છે ' કોરોના કાળ ' માં…તો આ વખતે ઉપવાસ અને એકટાણાં કરવા કેટલા યોગ્ય છે !? તે આવો સમજીએ.
1. વિટામિન સી :- વિટામિન સી નું યોગ્ય લેવલ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું .જો ઉપવાસ કરવા માંગતા હોવ તો પુષ્કળ માત્રા માં યોગ્ય રીતે સાફ કરેલા ફળો અને લીંબુ પાણી નો દિવસ ના ૨-૩ વાર ઉપયોગ કરવો ખૂબ જરૂરી બને. વિટામિન સી આ કોરોના કાળ માં બ્રહ્માસ્ત્ર સાબિત થયું છે. આથી, ઉપવાસ ની સાથે જો વિટામિન સી ધરાવતાં ખાદ્યપદાર્થો નું સેવન ચાલુ રહે,તો ઉપવાસ કરી શકાય.
2. પ્રોટીન :- એક પુખ્ત વય ની વ્યક્તિ એ એક દિવસ દરમ્યાન એક કિલો શરીર ના વજન પર એક ગ્રામ એટલે કે જો શરીર નું વજન ૬૫ કિલો હોય તો એક દિવસ દરમ્યાન ૬૫ ગ્રામ જેટલું પ્રોટીન લેવું જોઈએ. આ પ્રોટીન કઠોળ, દૂધ સૂકા મેવા, તેલીબિયાં માં થી મેળવવા માં આવે.જે નોન વેજીટરિયન હોય , તો માંસ અને ઈંડા દ્વારા યોગ્ય માત્રા માં પ્રોટીન મેળવી શકે પરંતુ માંસાહારી હિંદુઓ અધિક માસ માં નોન્વેજ આહાર નો ત્યાગ કરે છે. આથી પૂરતા પ્રમાણ માં પ્રોટીન મળી શકતા નથી જે અશક્તિ અને થાક નું કારણ બની શકે. જો યોગ્ય પ્રમાણ માં પ્રોટીન નું સેવન થાય, તો ઉપવાસ કરી શકાય.
3. વિટામિન ડી :- રોજ સવાર ના કુમળા તડકા માં ઓછા માં ઓછી ૪૦ મિનિટ ગાળવા ઉપરાંત ખોરાક માં પુષ્કળ પ્રમાણ માં દૂધ, લીલી ભાજી અને ઈંડા જેવા કેલશિયમ યુક્ત ખાદ્યપદાર્થો નો ઉમેરો, વિટામિન ડી ના પ્રમાણ ને શરીર માં જાળવી રાખે છે. કોરોના સામે રક્ષણ માટે વિટામિન ડી ની શરીર માં યોગ્ય માત્ર ના હાજરી જરૂરી છે. અધિક માસ માં ઈંડા ન ખાનાર વ્યક્તિ જો યોગ્ય પ્રમાણ માં દૂધ અને લીલી ભાજી લેતાં હોય, તો ઉપવાસ કરી શકે. ( અધિક માસ માં સવાર ના પહોર માં મંદિર જવાની પરંપરા કદાચ એટલે જ બની હશે. સવાર ના કુમળા તડકા માં મંદિર જતાં અને આવતાં સવાર ના તડકો લઈ શકાય !!)
4. પુષ્કળ પ્રવાહી :- આ વખતે અધિક મહિના દરમ્યાન હજુ ચોમાસું પતશે અને શિયાળા ને શરૂ થવાને વાર હશે. આ દિવસો દરમ્યાન બપોરે પુષ્કળ ગરમી પડશે. આ સમયે શરીર માં પ્રવાહી નું પ્રમાણ જળવાઈ રહે તે અગત્ય નું છે. સવાર થી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી દર અડધો કલાકે થોડું થોડું પાણી પીતાં રહેવું હિતાવહ છે.
5. ફરાળ નો અતિરેક :- ઉપવાસ ના નામે આપણે ત્યાં બટાકા, સાબુદાણા, વેફર જેવા ફરાળી ખોરાક નો પુષ્કળ મારો ચાલે છે. આ ફરાળી ખોરાક સ્ટાર્ચ થી ભરપુર હોઈ બ્લડ શુગર ખૂબ વધારે છે. વધુ બ્લડ શુગર કોઈ પણ પ્રકારના વાઇરસ ના ચેપ માટે કારણભૂત થઈ શકે. આમ, ઉપવાસ ના નામે વધુ પડતા ફરાળ નું સેવન કરવું નહિ.
6. ભૂખ્યા ન રહેવું :- લાંબો સમય ભૂખ્યા રહેવાથી રોગપ્રિકારકશક્તિ માં ચોક્કસપણે ઘટાડો થાય છે. એથી ખાલી પેટ રાખી ઉપવાસ કરવાને બદલે થોડા થોડા સમયાંતરે લીંબુપાણી, ફળો, છાશ, નારિયેળ પાણી પીતાં રહેવું. ભરેલા પેટે હરી નું ભજન કરવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
આમ, સ્વાસ્થ્ય ની કાળજી લઈ, ખાન પાન માં સંયમ રાખી અધિકમાસ માં હરી ની ભક્તિ ચોક્કસ કરી શકાય.
Comments