દિવાળી એટલે આપણા સૌ માટે આનંદ ઉલ્લાસ અને ઉજવણી નો તહેવાર.ઘર સજાવવું, નવી નવી ચીજવસ્તુઓ ખરીદવી, નવા કપડાં ની ખરીદી કરવી , જાત ભાત ના પકવાનો બનાવવા, ફટાકડા ફોડવા અને પરિવાર સાથે સરસ 'ક્વોલિટી સમય' વિતાવવો. એમાં ક્યાંક તબિયત બગડે તો બધી મજા, તહેવાર અને વેકેશન બધું જ બગડે…
વેકેશન હોઈ, રોજિંદા રૂટિન માં ફરક આવે. સુવા , જાગવા, ખાવા, પીવાના સમય માં ફેરફાર થાય. બહારનું ખાવાનું વધારે થાય , મીઠાઈ – ફરસાણ નું જોર વધે. એવામાં તબિયત સાચવવી જરૂરી બની જાય.
તો આવો, યોગ્ય આહાર દ્વારા સ્વાસ્થ્ય ની જાળવણી કરી તહેવાર ને સ્વાસ્થ્ય પૂર્વક ઉજવીએ. નીચે પ્રમાણે ના આરોગ્ય વિષયક મુદ્દાઓ ને ધ્યાન માં રાખીએ.
1. જો બહાર ખાવાનું વધુ પ્રમાણ માં થવાનું હોય તો ખૂબ બધી કેલરી આપણે શરીર માં ઠાલવીશું. એથી જો બહાર ખાવાનું અનિવાર્ય હોય તો, ઘરે સાદો ખોરાક લઇ કેલરી કમપેન્સેટ કરીશું. આ સાદો ખોરાક એટલે તળેલી અને મિષ્ટાન્ન ન ધરાવતી હોય તેવી વાનગીઓ.
2. શોપિંગ કરવા અને અન્યો ને મળવા બહાર જવાનું અને ઘણા કલાકો બહાર રહેવાનું થાય તો એવા સંજોગોમાં પાણી ની બોટલ પોતાની પાસે રાખી દર ૧/૨ કલાકે થોડું થોડું પાણી પીતા રહેવું. આ બદલાતી ઋતુ માં, બપોર ના સમયે પુષ્કળ તાપ લાગે અને અને ગળું સુકાય. જો આપણે બહાર હોઈએ તો ઠંડા પીણા નો મારો ચલાવીએ. જે મોટી માત્રા માં શરીર માં બિનજરૂરી કેલરી ઠાલવે અને અંતે એસિડિટી નો શિકાર થઇએ.
3. ઘર માં હોઈએ ત્યાં સુધી ફળો અને શાકભાજી નું સેવન વધુ કરીએ જે પુષ્કળ રેષા ધરાવે અને એથી આપણું પેટ ભરાયેલું રહે . આચર કૂચર ફાલતુ વસ્તુઓ ખાવાનું મન ઓછું થાય.
4. પૌરાણિક રિવાજો અનુસાર , તહેવાર માં દિવસો માં ચૂલે લોઢી ( તવી) ન ચઢે, કઢાઈ જ ચઢે. અર્થાત્ ,તહેવારો માં શેકેલું ન ખવાય તળેલું જ ખવાય એવી માન્યતા હતી. તેની પાછળ નું મનોવૈજ્ઞાનિક કારણ કદાચ તહેવારો ને ઉજવવા વધુ પ્રમાણ માં ઊર્જા પૂરી પાડવાનું હોઈ શકે. પણ તે જમાના માં પુષ્કળ શારીરિક શ્રમ કરવામાં આવ્યો. ઘરકામ, ખેતરો માં કામ, રસોઈ બધું જ જતે કરવામાં આવતું. એથી ખોરાકમાં લીધેલી કેલરી બાળી શકાતી. હવે, દરેક કામ માટે આસિસ્ટન્ટ હોય, શારીરિક શ્રમ ઓછો પડે એથી એટલી બધી કેલરી બળે નહિ ને શરીરમાં જમાં થાય. અને તહેવારો માં અંતે આપણે વજન વધારો તહેવારો ની ગિફ્ટ તરીકે મળે. તો આપણે આ જૂની પ્રથા બદલી, પૂરી ને બદલે રોટલી અને વડા ને બદલે એ જ ખીરા માં થી બનાવેલ ઢોકળા ખાઈ શકીએ. લાપશી ને બદલે બાફેલી થૂલી બનાવી આરોગી શકાય
5. દિવાળી હોય અને મઠિયાં, થાપડા, સુવાળી, ઘૂઘરા ન ખાઈએ તો કેમ ચાલે? ખાઓ કોઈ વાંધો નહિ. પણ જો રજા માં અડધો કલાક પણ કસરત કરી થોડી ઘણી કેલરી બાળી શકીએ તો કેમ? આ તળેલા ફરસાણ અને મિષ્ટાન્ન નું પ્રમાણ કાબૂ માં રાખવા માટે, e ખાવા પહેલાં એક ફ્રુટ અથવા થોડું સલાડ ખાઈએ તો કેમ ? અને હા, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ જેવા પ્રોબ્લેમ હોય, તો ડાયેટિશિયન ની સલાહ બાદ જ સેવન કરવું .
6. તળેલા નાસ્તા ને બદલે હાલ ઘણા બધા બેક કરેલા નાસ્તા ના વિકલ્પો પણ માર્કેટ માં ઉપલબ્ધ છે. જેમકે રાગી અથવા સોયાબીન ચિપ્સ, ચણા જોર ગરમ , ખાખરા પિત્ઝા જેવું કંઇક ટ્રાય કરી શકાય.
7. ખૂબ ઘી વાળી મીઠાઈઓ ને બદલે ડ્રાય ફ્રૂટ વાળી મીઠાઈઓ પર પસંદગી વાળી શકાય જે પ્રમાણ માં ઓછી ફેટ , શુગર અને વધુ માત્રા માં રેષા અને વિટામિન્સ થી ભરપુર હોય. આમ કરવાથી ખૂબ વધુ પડતી કેલરી શરીર માં ઠલવાતી અટકાવી શકાય. શક્ય હોય તો ઘરે બહાર ની માવા ની મીઠાઈઓ ને બદલે ખજૂર પાક, બદામ ખજૂર ની બરફી, અંજીર ની બરફી, શીંગ ખજૂર ના લાડુ જેવી મીઠાઈ ઓ ખાંડ નો વપરાશ કર્યા વગર પણ બનાવી શકાય.
8. પૂરતી ઉંઘ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. જો પૂરતી ઊંઘ ના મળે તો રોગપરતિકારકશક્તિ ઓછી થાય અને તહેવારો ના અંતે માંદા પાડવાનો વારો આવે. આથી શક્ય એટલી પૂરતી ઊંઘ લેવાનો પ્રયત્ન કરો.
9. ફટાકડા સાચવી ને ફોડો અને ફટાકડા ના ધુમાડા થી દમ અને ફેફસાં ના રોગો ન થાય એ માટે મોઢા અને નાક ને ઢાંકે એવો માસ્ક પહેરી ફટાકડા ફોડવા હિતાવહ છે.
10. ખૂબ ખાલી પેટે ફટાકડા ન ફોડો. પૂરતી ખોરાક લીધા બાદ જ ફટાકડા ફોડવા જવું. ખાલી પેટે શુગર ઓછી થઈ જવાની સંભાવના રહેલી છે. ફટાકડા સળગાવવા માટે વાંકા વળવા દરમ્યાન ચક્કર આવી શકે. તો ખોરાક લીધા બાદ જ ફટાકડા ફોડવા અને એમ કરવા બાળકોને પણ સમજાવવું.
તો આવો…. આ દિવાળી એ માત્ર આનંદ માણીએ…માંદા પડ્યા વગર અને સ્થૂળતા ની ચિંતા કર્યા વગર.
Comments