ખૂબ હેલ્થ માટે સજાગ એવા ૪૦ વર્ષ ના યુવાન જાણીતા એક્ટર હાર્ટ એટેક નો નાની વયે શિકાર થઈ જાય છે!! આખા દેશ ને હચમચાવી નાખતી ઘટના...
હાલમાં ખૂબ વાયરલ થઈ રહેલ વોટસએપ વિડિયો માં એક જુવાન ને કસરત બાદ જીમ માં દાદર પર જ ફસડાઈ પડી મૃત્યુ પામ્યો બતાવવા માં આવ્યો છે.
કેટલી દર્દનાક અને છતાં આશ્ચર્યજનક ઘટનાઓ છે આ નહિ ?
આજની પેઢી સ્વાસ્થ્ય પરત્વે ખૂબ સજાગ થઈ રહી છે. ખાન પાન માં જાગૃતિ, માત્ર મોંઘીદાટ ઓર્ગેનિક ખાદ્યસામગ્રી નો જ ઉપયોગ કરવો, વિગન આહાર લેવો, અલ્કલાઈન વોટર જ પીવું, સેનીટાઇઝર થી વારંવાર હાથ સાફ કર્યા કરવા, જીમ માં જઈ પુષ્કળ પરસેવો પાડવો , મેરેથોન દોડવી અને બીજું ઘણુ બધું…!!! આમ જોતાં આ ખરેખર સારી વાત છે …પણ છતાં કેમ આજકાલ કસરત દરમ્યાન અચાનક થતાં આવા આકસ્મિક મૃત્યુ ના કિસ્સાઓ ની સંખ્યા વધી રહી છે?
આવો આજે થોડા ગંભીર અને ચિંતાજનક લગતા આ કિસ્સાઓ વિશે અહી ચર્ચા કરીએ…
ફિટનેસ પ્રત્યે ની સજાગતા એ ખરેખર પ્રશંસનીય વાત છે પરંતુ ફિટનેસ ની ઘેલછા અને પોતાની શારીરિક, તબીબી મર્યાદાઓ સમજ્યા વિના , યોગ્ય આહાર નું જ્ઞાન મેળવ્યા વિના , સંભવિત તકલીફો નો અભ્યાસ કર્યા વિના કરવામાં આવેલ કસરતો જીવલેણ સાબિત થઈ જ શકે…
અહી કસરત દરમ્યાન થતી અચાનક મૃત્યુ માટે આવો જાણીએ કાર્ડીઓલોજિસ્ટ શું કહે છે ..
શહેર ના જાણીતા કાર્ડિયાક સર્જન ડો. મહેશ વિંચૂરકર સાહેબ સાથે થયેલ વાર્તાલાપ મુજબ કસરત દરમ્યાન થતી અચાનક મૃત્યુ ' સડન કાર્ડિયાક એરેસ્ટ' ( હૃદય ના અચાનક બંધ પડી જવાને લીધે) થાય છે. અહી હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક એરેસ્ટ માં ફરક છે. લોહીની નળીઓમાં ક્ષાર જમવા ને પરિણામે હૃદય ને મળતો લોહીનો પુરવઠો ઓછો થાય છે અને હૃદય ધીમે ધીમે બંધ પડે તેને હાર્ટ એટેક આવ્યો એમ કહેવાય. જ્યારે એથી વિપરીત, કોઈપણ જાત ની અડચણ ન હોય અને અચાનક હૃદય પર જંગી લોહીનો પુરવઠો પહોંચે અને હૃદયની કામગીરી ખોરવાતાં તે અચાનક બંધ પડે તેને ' સડન કાર્ડિયાક એરેસ્ટ કહી શકાય.
અહી, શહેરના ખ્યાતનામ કાર્ડીઓલોજિસ્ટ ડૉ. પ્રિતેશ પારેખ સર કહે છે કે, “ આમ, અચાનક હૃદય બંધ થવા પાછળ ઘણાં બધા કારણો જવાબદાર હોઈ શકે અને આમ જુઓ તો કશું જ નિશ્ચિતપણે કહી ન શકાય. છતાં એક કાર્ડીઓલોજિસ્ટ તરીકે હું એટલું ચોક્કસ કહી શકું કે, તદ્દન નવી અને આપને બિલકુલ અજાણ હોઈએ એવી શારીરિક કસરતો ખૂબ વધુ પ્રમાણ માં કરવી જોઈએ નહિ, પોતાની શારીરિક મર્યાદાઓ પોતે જ સમજવી જરૂરી.. કોઈ જીમ ઇન્સ્ટ્રકટર કે ડાયેટિશિયન આપના શરીર ની મર્યાદાઓ વિશે આપના જેટલું જાણકાર ન જ હોઈ શકે. પોતાના શરીર ના ' સિગ્નલો ' ને સમજો. આપણું શરીર આપણે 'ક્યાં અટકવું ' તેના સિગ્નલો આપતું રહે છે. આ સિગ્નલો અવગણવામાં આવે તો એ ચોક્કસ જોખમી પુરવાર થઈ શકે. “
અહી, ડોકટરો સાથે થયેલ ચર્ચાઓ મુજબ અચાનક હૃદય બંધ થવા માટે ના પરિબળો અને તેનાથી કઈ રીતે બચવું તે સમજીએ.
1. અચાનક સર્જાતી માળખાકીય ( સ્ટ્રકચરલ ) અથવા વિદ્યુતચંબકીય( ઇલેક્ટ્રિક) ફેરફાર જેનું હજી સુધી કોઈ કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ હૃદય પર અચાનક આવી જતા લોહીના મોટા પુરવઠા ને સંભાળવો કેટલીક વાર હૃદય માટે મુશ્કેલ બની જતો હોય.
- શું કરવું ? - આ પરિસ્થિતિ ટાળવા, બને ત્યાં સુધી અચાનક વધુ પડતી કસરત ન કરો. ધીરે ધીરે શરીર ની કેપેસિટી વધારો. કોઈની દેખાદેખી માં કસરતો ન કરો કારણ કે દરેક ની શારીરિક ક્ષમતા અલગ અલગ હોય છે.
૨. ડીહાઇડ્રેશન :- ખૂબ વધુ કાર્ડિયો કસરતો દરમ્યાન પુષ્કળ પસીનો થાય અને આ પસીના દ્વારા શરીરના કોષો મોટા પ્રમાણમાં પાણી ગુમાવે. કોષોમાં પાણી ઘટવા ને કારણે પણ અચાનક કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે.
- શું કરવું ?- હંમેશા કસરત પહેલાં ૨૫૦ મિલી જેટલું પાણી પીવું. ( વધારે પીવાથી પણ તકલીફ થઈ શકે ) . કસરત દરમ્યાન દર ૨૦ મિનિટ બાદ ૫૦ મિલી પાણી પીવું જેથી પાણી ની માત્રા જળવાઈ રહે.
૩. શરીરમાં ખનીજત્વો ની ખામી :- પોટેશિયમ , કલોરાઇડ અને સોડિયમ નામનાં ખનીજ હૃદય ની કામગીરી માટે અનિવાર્ય છે. તકલીફ એ છે કે આપણે કારણ વગર આ ખનિજ તત્વોનું લેવલ ચેક કરાવતા નથી. અને અંતે હૃદય ની કામગીરી ખોટકાય છે.
- શું કરવું ?- કસરતો માટેના વર્ગો, મેરેથોન ની રન, ગરબા ના ક્લાસિસ કે સ્પોર્ટ્સ ઇવેન્ટ પહેલાં લોહીનું ઇલેક્ટ્રોલાઈટ લેવલ ચેક કરાવો. જો એ લેવલ માં કોઈ ઘટવધ હોય તો ડોકટર ની સલાહ મુજબ પહેલાં જરૂરી દવાઓ લો. આ માટે કસરત પહેલાં અને દરમ્યાન ORS ( ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન) અથવા સાદી ભાષામાં લીંબુ પાણી લેવું જરૂરી બને.
૪.હાઇપો ગ્લાયસેમિયા:- કેટલીક વાર બિલકુલ ખાલી પેટે કસરત કરવા થી લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ઘટે અને મગજ તથા હૃદય તરફ પહોંચતો લોહી નો પુરવઠો ખૂબ ઘટી જાય. આવા સંજોગો પણ પ્રાણઘાતક નીવડી શકે.
- શું કરવું ?- ક્યારેય એકદમ ખાલી પેટે કસરત કરવી નહિ. મુઠ્ઠીભર સુકો મેવો કસરત પહેલાં લઈ શકાય. હા, ખૂબ ભરેલા પેટે કસરત કરવી નહિ.
૫.કેફીન નો વધુ ઉપયોગ :- કોફી દ્વારા મળતું કેફીન આપણા મગજ ને સ્ફૂર્તિ આપે અને આપણી કસરત કરવાની ક્ષમતા વધે એથી મોટે ભાગે જીમ ટ્રેનરો અને ફિટનેસ કોચ કસરત અથવા મેરેથોન પહેલાં બ્લેક કોફી પીવાની સલાહ આપે. પરંતુ કેટલીક વાર કેફીન અસરને કારણે અનુભવાતી સ્ફૂર્તિ ને પરિણામે આપણે આપના શરીર ની મર્યાદાઓ ઉપરાંત કસરતો કરતાં હોઈએ છીએ જે જાણે અજાણે આપના હૃદય પર પુષ્કળ દબાણ આપે અને એ દબાણ કોઈક વાર મૃત્યુ નું કારણ બની શકે.
- શું કરવું ?- સ્ટ્રોંગ બ્લેક કોફી નો ઉપયોગ ટાળી માઈલ્ડ દૂધ વાળી કોફી નો ઉપયોગ કસરત પહેલાં કરી શકાય. બને ત્યાં સુધી પોતાની શારીરિક મર્યાદાઓ સમજી એ પ્રમાણે જ કસરત કરવી.
૬. અપૂરતી ઊંઘ :- કસરત કરીએ એ પહેલાં પૂરતી ઊંઘ લેવાય, શરીરની માંસપેશીઓ પૂર્ણ રીતે આરામ મેળવે તે ખૂબ જરૂરી છે. થાકેલી માંસપેશીઓ હોય ત્યારે કસરત કરવાથી માંસપેશીઓની લવચીકતા ( ઇલાસ્ટીસીટી) ઘટે છે અને આ પેશીઓ તૂટે છે. આવું જ કંઈક હૃદય ની માંસપેશીઓ જોડે પણ થઈ શકે. થાકેલા હૃદય ના સ્નાયુઓ વધુ પડતાં લોહીના પુરવઠા ને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જઈ શકે.
- શું કરવું ?- રાત્રી દરમ્યાન ઓછા માં ઓછી ૭ કલાક ની ઊંઘ લેવાય તેનું ધ્યાન રાખો. કેમ સે કમ જો કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ અથવા ડાન્સ ઇવેન્ટ માં ભાગ લીધો હોય તો અચૂક ઇવેન્ટ પહેલાં પૂરી ૭-૮ કલાક ઊંઘ લો.
૭. સ્ટ્રેસ :- આમ તો કસરત દરમ્યાન ' હેપી હોરમોન્સ ' તરીકે ઓળખાતા ડોપામાઈન નામના અંત: સ્ત્રવો લોહીમાં ભળે અને મનને શાંત અને ખુશ રાખે. પરંતુ કેટલીક વાર પુષ્કળ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં સ્ટ્રેસ હોર્મોન્સ ના લીધે હૃદય ના ધબકારા અનિયમિત થાય, આવા સમયે ખૂબ વધુ એરોબિક એક્સરસાઇઝ કરવાથી હૃદય પર સ્ટ્રેસ વધી મોટું નુક્સાન સર્જી શકે.
- શું કરવું ?- જ્યારે મન પુષ્કળ વિષાદમય હોય ત્યારે ખૂબ ઝડપી એરોબિક કરતો ને બદલે મન શાંત થાય એવા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવા નું રાખો. માનસિક સ્થિતિ સામાન્ય થાય પાછી જ બીજી કસરતો કરો.
૮. ઉપવાસ અને વધુ લાંબો સમય ભૂખ્યા રહેવું :- ખૂબ લાંબો સમય પેટને ખાલી રાખ્યા બાદ કરવામાં આવતી કસરતો એનર્જી વગરનાં હૃદયના કોષો પર વધારે ભારણ આપે છે અને હૃદય ના કોષો આ બોજ j જીરવી શકતાં અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર બને છે.
- શું કરવું ?- બને ત્યાં સુધી કસરત કરતાં હોવ તો ઉપવાસ ટાળો અને જો ઉપવાસ કરવા જ પડે એમ હોય તો એ દિવસોમાં ભારે કસરતો કરવાનું ટાળો. કોઈપણ જાતની કસરત કરવા પહેલાં હૃદય ના કોષો ને પૂરેપૂરો એનર્જી નો પુરવઠો મળેલ છે તેની ખાતરી કરો. થાક , ઢીલાશ લાગતાં હોય ત્યારે કસરત કરવાનું જોખમ ન લો.
આમ, કસરતો કરવા પહેલા ડોકટર ની સલાહ લઈ કયા પ્રકાર ની કસરતો આપણા શરીર માટે લાભદાયી રહેશે તે જાણ્યા બાદ જ કસરત કરો. અને કસરત કરતા પહેલા યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસ ફ્રી મેંટલ કન્ડીશન ની ખાતરી કરો.
નોંધ :- વ્યાયામ ખૂબ જરૂરી છે જ પરંતુ સુસ્વાથ્ય જ એકમાત્ર ઉદ્દેશ્ય હોવો જોઈએ. દેખાદેખી અને પોપ્યુલર થવાનો ઉદ્દેશ અવશ્ય નહિ હોવો જોઈએ.
( લેખ માં ઉમેરવામાં આવેલ અગત્યની માહિતી માટે શહેર ના જાણીતા કાર્ડિયાક સર્જન ડો. મહેશ વિંચુરકર સર નો તથા ખ્યાતનામ કાર્ડીઓલોજિસ્ટ ડૉ. પ્રિતેશ પારેખ નો દિલ થી આભાર માનું છું.)
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
270
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
480
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
490
bottom of page
Comments