દાંત નું ચોકઠું બરાબર સેટ થાય ત્યાં સુધી પોષણ નું ધ્યાન કઈ રીતે રાખશું?
ગતાંકે આપણે જોયું કે દાંત ને સડતાં અટકાવવા માટે શા પગલાં લેવા જોઈએ..આ વખતે દાંત નું ચોકઠું કરાવ્યા બાદ તેના મોઢામાં એડજેસ્ટ થવા સુધી પોષક તત્વોની ઉણપ ન ઉભી થાય તે માટે આહાર આયોજન કઈ રીતે કરશું તે જોઈએ.
પ્રથમ વાર ચોકઠું કરાવ્યું હોય તો પહેલું અઠવાડિયું નીચે મુજબ ના મુદ્દાઓ અનુસરવા:-
1. પહેલા ૨ દિવસ દાંત પડાવ્યા નો દુખાવો અને પેઠા ખૂબ નબળા હોઈ માત્ર આઈસ્ક્રીમ ( ડાયાબિટીસ હોય તો ખાંડ વગર નો મિલ્ક શેક ) અથવા લસ્સી જેવો ઠંડો અને પ્રવાહી ખોરાક લેવો.
2. ત્રીજા દિવસથી હુંફાળા પ્રવાહી જેવા કે શાકભાજી ના સૂપ , મગ નો સૂપ , દાળ નું ઓસામણ, ભાત નું ઓસામણ વિ. લઈ શકાય.
3. એક અઠવાડિયા સુધી દર બે – અઢી કલાકે સૂપ ફળો ના રસ , લીંબુ શરબત જેવા પ્રવાહી લેવા અને ભોજન ના સમયે ભાત , ઢીલી ખીચડી અને દહી , ઘઉં ની રાબ , શીરો , ઉપમા જેવા સોફ્ટ ખોરાક ખાઈ શકાય .
4. ચોખા ની ઈડલી, રાગી ની ઈડલી , મેથી ની ભાજી ના પુડલા , ઓટ્સ ના ચિલ્લા, દાળ ના પુડલા વિગેરે સોફ્ટ આહાર લઈ શકાય .
5. અહી ચિલ્લા માં પનીર અને દહી નો ઉપયોગ કરી તેની પ્રોટીન વેલ્યુ વધારી શકાય.
હવે, ૧૫ -૨૦ દિવસ બાદ ચોકઠું ધીરે ધીરે પહેરવા ના કલાકો વધવા માંડે, ચોકઠું સેટ થવા માંડે એટલે ખોરાક નો ટેસ્ટ વધુ ગમવા માંડે , ખોરાક ખવાતો જાય ત્યારે નીચે પ્રમાણે માં મુદ્દા ધ્યાન માં રાખવા.
1. ખોરાક માં કાર્બોહાઈડ્રેટ ની ખામી ન ઉત્પન્ન થાય એ માટે રોજ ૨ થી ૩ વાર અનાજ નો ઉપયોગ રાબ, ઉપમા, શીરો, ભાત, ખીચડી, પૌવા , ઈડલી સ્વરૂપે કરવો.
2. પ્રોટીન ની જરૂરિયાત પૂરી કરવા દિવસ દરમ્યાન ૨ કપ દૂધ, ૨ વડકી દાળ અથવા ૨ ઈંડા ઉપરાંત ૧ વાડકી દહી લેવાય તેનું ધ્યાન રાખવું.
3. દિવસ દરમ્યાન એક વાર લીલી ભાજી, એક વાર કંદમૂળ ( ડાયાબિટીસ હોય તો ન લેવા) અને ૨ વાર અન્ય શાકભાજી શાક અથવા સૂપ માં લેવા.
4. દિવસ દરમ્યાન ઓછા માં ochha ૨ વાર ફળો લેવા.
5. લગભગ ૩-૪ લીટર જેટલું પાણી એક દિવસ દરમ્યાન પીવું.
6. ખાંડ અને મીઠા નો જરૂરીયાત પૂરતો જ ઉપયોગ કરવો.
7. દિવસ દરમ્યાન ૩ ચમચી જેટલું તેલ કે ઘી લઈ શકાય.
ઉપર મુજબ ના ખાદ્યપદાર્થો આપણે ફાવે તે સ્વરૂપે લેવાથી ચોકઠાં ના ફીટ થવાની પ્રક્રિયા દરમ્યાન પણ પોષકતત્વો નું પ્રમાણ જળવાઈ રહેશે.
આ ઉપરાંત ચોકઠું સેટ થાય તે સૈયાં ધ્યાનમાં લેવા જેવા કેટલાક મુદ્દાઓ..
• સ્વાદ ભાવવા માંડે અને ખાવાની ઈચ્છા થવા માંડે એટલે ધીરે ધીરે જાત ને રોજિંદા આહાર પર મુક્ત જાઓ.
• નાના નાના કોળિયા બનાવી ને જમતાં શીખો. પહેલાં જે પ્રકારે મોટા કોળિયા ભરી ને જમવાની આદત હતી એ પ્રકારે જમવા જશો તો ચોકઠું બહાર આવી જવાની સંભાવના છે. એવા સંજોગો માં નાના કોળિયા બનાવી ધીરે ધીરે ચાવી ને ખાવાની આદત કેળવો. વધુ ચાવવા ની પ્રેક્ટીસ થી ચોકઠાં જોડે જમવા ની આદત પાકી થશે.
• મોઢામાં બંને બાજુએ થી ચાવવાની આદત પાડો. એક કોળિયા ને વારાફરતી બને બાજુએ થી થોડી થોડી વાર ચાવો જેથી ચોકઠાં નું બેલેન્સ જળવાઈ રહે અને કોઈ પણ એક બાજુ ભારણ ન આવે.
• ઉતાવળ માં જમવા ને બદલે જમવાની ક્રિયા ને પૂરતો ટાઇમ આપો જેથી પૂરતા પ્રમાણમાં લાળ ભળી રહેં અને મોઢું ચોખ્ખું રહે.
• ફળો ને પહેલા ની આદત મુજબ સીધું બાઈટ ન કરતાં તેના નાના નાના ટુકડા કરી મોમાં મૂકો .
• ચોકઠું ચોંટાડવા માટે પાવડર અથવા દાંત માટેના સ્પેશિયલ એડહેસિવ ગુંદર નો ઉપયોગ કરો જેથી ખોરાક ચોકઠું પડી જવાના ભય વગર ચાવી શકાય. જો ચોંટાડવા માટેના દ્રવ્ય નો ઉપયોગ કર્યા છતાં ચોકઠું બરાબર ચોટતું ન હોય તો આપના ડેન્ટિસ્ટ ની સલાહ લો.
• જમ્યા બાદ ચોકઠું યોગ્ય રીતે સાફ કરવાની આદત પાડો. જો ખોરાક માં કણો ચોકઠાં માં રહી જશે તો ત્યાં બેક્ટેરિયા નો ફેલાવો થઈ બીમારી ની શરૂઆત ત્યાં થી થશે.