હવે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તો શરદી, કફ, માથાનો દુખાવો જેવી તકલીફો વધવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવો, અહીં જાણીએ કે નિસર્ગોપચાર અનુસાર ખોરાક માં કેવા સુધારા વધારા કરી શરીર ની ગરમી ને યથાવત્ રાખી શકાય અને શિયાળા ને સારા સ્વાસ્થ્ય સાથે માણી શકાય !
નિસર્ગોપચાર અનુસાર શિયાળા ની ઠંડક આપણી રોગપ્રિકારકશક્તિ માં ઘટાડો કરે છે અને આળસ માં વધારો કરે છે. તો કેવા પ્રકારનો ખોરાક શરીર ને ગરમાટો આપે અને તાકાત વધારી માંદગી થી બચાવે તે જોઈએ.
નિસર્ગોપચારમાં વ્યક્તિ ની પ્રકૃતિ પ્રમાણે કેવો આહાર લેવો અને કેવો ન લેવો તે સૂચવાતું હોય છે. પરંતુ કેટલાક સામાન્ય સૂચનો આપણે અહી જોઈએ.
• પ્રવાહી નું સેવન અનિવાર્ય :- નિસર્ગોપચાર ના નિયમો અનુસાર શિયાળા માં શરીર માં ઉર્જા નું વહન એક કોષ થી બીજા કોષ માં પ્રવાહી દ્વારા થતું હોય છે. એથી, ઠંડા વાતાવરણ માં શરીર ને ગરમ રાખવા મટે પૂરતા પ્રમાણ માં પ્રવાહી નું સેવન કરવું. શિયાળા માં આમ પણ તરસ ઓછી લાગતી હોય છે. આવા સંજોગો માં જો પ્રવાહી નું સેવન ઓછું કરવા માં આવે, તો શરીર માં ઉર્જા નું વહન યોગ્ય પ્રકારે થતું નથી અને શરીર ઠંડી નો સામનો ન કરી શકતાં ‘ હાઇપો થરમિયા ‘ ની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. એ ન થાય તે માટે દિવસ નું ઓછા માં ઓછું ૩ લીટર જેટલું પાણી અને એ ઉપરાંત દૂધ, નીરો, લીંબુ પાણી જેવા નૈસર્ગિક પીણાઓ યોગ્ય માત્રા માં લેવા જોઈએ.
• હેલ્ધી ફેટ ના પ્રમાણ માં ઉમેરો :- ઘર નું બનેલું ઘી, પિનટ બટર, કોપરેલ, ઓલિવ ઓઈલ, તલ નું તેલ અથવા અન રિફાઇન્ડ ( ઘાણી નું તેલ) શીંગ તેલ..આ બધા પ્રાકૃતિક ફેટ ધરાવતાં ખાદ્યપદાર્થો વિટામિન એ, ડી, ઈ અને કે નું શરીર માં સારા પ્રમાણ માં અધિશોષન કરે. વિટામિન ડી ની ઊણપ શિયાળા માં ડિપ્રેશન નું કારણ બની શકે. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિ એ દિવસ દરમ્યાન ૧૫ ગ્રામ જેટલી ફેટ ( ૩- ચમચી તેલ/ ઘી) તેના રોજિંદા ખોરાક માં સામાન્ય સંજોગો માં લેવી જોઈએ. શિયાળા માં આ જરૂરિયાત વધી ને ૪ ચમચી થાય છે. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે તળેલી વાનગી મન ફાવે તેમ આરોગવી, કારણ તે કોલેસ્ટેરોલ માં વધારો કરી શકે.
• આખા ધાન્ય નો વધુ ઉપયોગ કરવો :- નિસર્ગોપચાર મુજબ, શિયાળા માં ઘઉં, ચોખા, મેંદા ને બદલે જુવાર, બાજરી, રાગી , કોદરી , ઓટ્સ જેવા આખા ધન્ય નો ઉપયોગ વધુ કરવો. આ ધાન્યો રેષા થી ભરપુર હોય તેના પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક રહે છે.
• કંદમૂળ :- શિયાળા માં વારંવાર ભૂખ લાગતી હોવાનું અનુભવાય છે. આવા સંજોગો માં કંદમૂળ એ સૌથી સારો ઓપ્શન છે. કંદમૂળ ભરપુર પ્રમાણ માં ખાનીજતત્તવો ધરાવે અને હેલધિ લોંગ એક્ટિંગ કાર્બોહાઈડ્રેટ ધરાવે જે જઠર ને જલ્દી ખાલી થતાં અટકાવે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. રતાળુ, શક્કરિયાં, ગાજર જેવા કંદમૂળો નો બહોળા પ્રમાણ માં ઉપયોગ કરી શકાય. ( ડાયાબીટીસ હોય તો ડાયેટિશિયન ની સલાહ મુજબ સેવન કરવું )
• તજ, મરી, લવિંગ,મેથી, તમાલપત્ર, જીરું , સૂંઠ, સાલમ જેવા તેજાના નો ઉપયોગ :- આ તેજાના ઓ તીવ્ર સરેહ ધરાવતાં અને સ્વભાવે તીખા હોય છે પરંતુ તે શરીર માં ગરમાટો લાવે છે. એથી જ સાલમ પાક, અડદિયા, મેથીપાક વગેરે શિયાળુ પાક આ તેજાના ઓ થી ભરપુર હોય છે જેને આરોગવાથી શરીર માં પૂરતા પ્રમાણ માં ગરમાટો આવે છે અને શિયાળા ની ઠંડી નો સામનો કરી શકાય છે. અલબત્ત એસિડિટી, મસા, અલ્સર થી બચવા માટે આ તેજાના ઓ નો નિયંત્રિત માત્રા માં ઉપયોગ કરવાની સલાહ છે. વળી, ઘી થી લથબથ આ શિયાળુ પાકો કોલેસ્ટેરોલ ને વધારી શકે ખરા.
• તેલીબિયાં નું સેવન :- શીંગ, તલ જેવા તેલીબિયાંઓ નો શિયાળા માં પાક ઉતરે. તાજાં તેલીબિયાં વિટામિન બી -૩ નાયાસીન, વિટામિન ઈ અને મેગ્નેશિયમ ના સ્ત્રોત છે. વિટામિન બી -૩ એ ત્વચા ના સ્વાસ્થ્ય માટે અત્યંત અનિવાર્ય છે. જ્યારે વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ હોઈ લોહી ને શુદ્ધ કરે છે. ઉત્તરાયણ પર ખવાતી ચીક્કી એટલે આખા વર્ષ માટે ના વિટામિન બી -૩ અને ઇ નો સંગ્રહ. .
તો આવો, આ શિયાળે આ કુદરતી ખજાના નો ઉપયોગ કરી સ્વસ્થ રહીએ.
Comments