top of page
Writer's picturePurple Money

બાળકોમાં વધતી જતી સ્થૂળતા ની સમસ્યા :-


આપણે લોકડાઉન ને કારણે વકરેલી સ્થૂળતા ની સમસ્યા વિશે માહિતી મેળવી. આ અંકે આ સમસ્યાને વધુ વિસ્તાર માં સમજીએ. ખરું જોતાં, લોક ડાઉન ની સૌથી માઠી અસર બાળકો પર થઈ છે. શાળાઓ બંધ, રમત – ગમત બંધ અને મમ્મી ઓ ના યુટ્યુબ જોઈ નવી નવી વાનગીઓ ના અખતરા ચાલુ…આ બધા પરિબળો બાળકો ને સ્થૂળતા તરફ દોરી જાય છે. આ સિવાય બાળકો માં સ્થૂળતા ના નીચે મુજબ ના કારણો જવાબદાર હોઈ શકે :- • જનીન બંધારણ :- કેટલીકવાર વારસા માં જમીન મિલકત ની સાથોસાથ સ્થૂળતા પણ મળે છે. બે માંથી કોઈ પણ એક વાલી ( માતા અથવા પિતા) પણ જો સ્થૂળ હોય, તો બાળકને સ્થૂળતા વારસા માં મળે છે. • હોર્મોન્સ માં બદલાવ :- લગભગ ૧૦ થી ૧૨ વર્ષ ની વયે બાળકી ઓ માં હોર્મોન્સ માં ફેરફાર થાય અને આ ફેરફાર ને કારણે બાળકીને માસિક સ્ત્રાવ , સ્તનો નો વિકાસ, અને તરુણને દાઢી અને મૂછ, અવાજમાં ફેરફાર જેવા લક્ષણો દેખાય.આ હોર્મોન્સ ના બદલાવ ને કારણે શારીરિક અને માનસિક ફેરફાર આવે જે દરેક બાળકો સહજતા થી સ્વીકારી નથી શકતા અને જેને કારણે મનમાં સતત મુંઝવણ અને બધું જાણવાની ઉત્કંઠા બાળક ને ઈમોશનલ સ્ટ્રેસ તરફ લઈ જાય. આ ઈમોશનલ સ્ટ્રેસ તેના મેટાબોલિઝ્મ પ્ર નકારાત્મક અસર કરી તેને મંદ પાડે અને કેલરી બળવાની પ્રક્રિયા ધીમી પડે જેથી ચરબીનો ભરાવો શરીરમાં થાય. કેટલાક બાળકો માં ‘ અર્લી પ્યુબરટી ' જોવા મળે જેમાં આ તરુણાવસ્થા ના ફેરફાર ખૂબ જલ્દી એટલે કે બાલ્યાવસ્થા માં જ જોવા મળે. આવા સંજોગો માં હોર્મોન્સ ના કારણે બાળકોનું વજન વધે. • જાહેરાતો ની અસર :- જાહેરાતો ના મારા ને પરિણામે બાળકોની ખોરાક ની પસંદગી ધરમૂળ થી બદલાઈ ગઈ છે. ઘરનો તાજો ખોરાક બાળકો ને ભવતો નથી અને બહારનો લોભામણો બિલકુલ બિન સ્વાસ્થ્યપ્રદ અને પુષ્કળ કેલરી ધરાવતો હોય છે જે શરીરમાં ચરબી ના ઢગલા કરે છે. • વધતો જતો સ્ક્રીન ટાઇમ:- રમત ગમત છોડી ને બાળકો વધુ પડતો સમય ટીવી અને મોબાઈલ જોડે કાઢે છે જેના કારણે શારીરિક શ્રમ ઓછો થાય છે અને કેલરી ખૂબ ઓછી બળે છે અને ચરબી બની શરીર પર જમા થાય છે. • ઘર નું વાતાવરણ:- હવે ઘરના બે છેડા મેળવવા હવે બંને વાલીઓ એ કમાવવા જવું પડે એટલે બાળકોના પૌષ્ટિક આહાર માટેના આયોજન માટે પૂરતો સમય ન મળી રહે એ સ્વાભાવિક છે અને આ સંજોગો માં સ્વીગી -ઝોમેટો ના પ્રતાપે બહાર નો ખોરાક સરળતાથી અને વારંવાર મેળવીને આરોગતાં તરુણો સ્થૂળતા નો ભોગ બને જ છે. • અપૂરતી ઊંઘ પણ બાળક માં સ્થૂળતા માટે મોટું જવાબદાર પરિબળ હોઈ શકે. • પાર્ટી કલ્ચર :- આજે આની, કાલે પેલાની અને પરમ દિવસે મારી બર્થડે આવે. એ બર્થડે ના સેલિબ્રેશન માં પુષ્કળ કેલરી નો શરીરમાં ઢગલો થાય. આમ, બદલાતી જીવનશૈલી અને વાતાવરણ ને કારણે બાળકો માં સ્થૂળતાની પ્રમાણ વધ્યું છે. આ વધતી જતી સ્થૂળતા ના પરિણામે નીચે પ્રમાણેની મુશ્કેલીઓ સર્જાઈ શકે. 1. નાની ઉમરે બ્લડ પ્રેશર માં વધારો તથા હૃદય ના રોગો ને તરુણાવસ્થા ની સ્થૂળતા આમંત્રણ આપે છે. 2. સ્થૂળતા ને કારણે શરીર ના કોષોમાં ઇન્સ્યુલીન રેઝિસ્ટનસ( એટલેકે ઇન્સ્યુલીન ને એનું કાર્ય યોગ્ય રીતે ન કરવા દેવું) ઉત્પન્ન થાય છે જે ડાયાબિટીસ માં પરિણમે છે. 3. વધુ પડતી ચરબી ને કારણે સ્લીપ એપ્નિયા તથા અસ્થમા જેવા ફેફસા ના રોગો થઇ શકે 4. વધુ ચરબી ને કારણે પોતાનો આકાર ગુમાવી બેઠેલું શરીર જોઈ તથા મિત્ર વર્તુળમાં ઉડાવાતી મજાક ને પરિણામે બાળકો ડિપ્રેશન તરફ ધકેલાઈ જવાની સંભાવના પણ રહે છે. 5. કન્યા ઓ ને સ્થૂળતા ને કારણે PCOD જેવી હોર્મોન ને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આ સ્થૂળતાથી બાળકો ને દૂર રાખવા કયા પ્રકારના પગલાં લઈ શકાય ? • બાળપણ થી જ પરિવાર માં સાથે બેસી ને જમવા ની આદત રાખો. અને બને ત્યાં સુધી બાળકો ને ભાવતાં ભોજન ઘરે જ બને તેવો આગ્રહ રાખો. જો ઘરે ફેન્સી અને સ્વાદિષ્ટ ખાવાનું બનશે તો બાળકો બહાર નું ખાવાનો આગ્રહ ઓછો કરી શકે. • બાળકો સાથે બેસી, ખુલ્લા મને વાતચીત કરી 'હેલ્ધી લાઈફ સ્ટાઈલ ' કોને કહેવાય તે વિશે ચર્ચા કરો અને પોતે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો. • માતા પિતા જો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હશે અને દિવસ ના અમુક ચોક્કસ સમય શારીરિક વ્યાયામ માટે ફાળવતાં હશે તો બાળકો પણ એ પ્રમાણે કરતાં થશે. આમ, બાળકો માટે 'રોલ મોડેલ' બનો. • મોબાઈલ તથા ટીવી નો સમય નિર્ધારિત કરી બાળક માત્ર એ જ સમય દરમ્યાન ટીવી તથા મોબાઈલ નો ઉપયોગ કરે તેવો આગ્રહ રાખો. • દિવસ ના ઓછા માં ઓછા ૫ વાર બાળક ફળો અને શાકભાજી ખોરાક માં લે તેનું ધ્યાન રાખો. દા.ત. ૨ વાર ફળ, ૨ વાર સલાડ અને ૧ વાર લીંબુ પાણી કે નારીયેળ પાણી તથા લીલી ભાજી દિવસ માં લે જ તેવો આગ્રહ રાખો. • બાળક પૂરતી ઉંઘ લે તેનું ધ્યાન રાખો. • વધુ પડતાં અભ્યાસ ને આપતાં મહત્વ ને લીધે બાળક પોતાની શારીરિક કસરતો અને રમત ગમત નો ભોગ આપી રહ્યું છે. ગમે તે સંજોગો હોય બાળક ઓછામાં ઓછું ૧ કલાક કસરત અથવા રમત ગમત માટે આપે જ તે જુઓ. • જો બહાર રેસ્ટોરન્ટ માં કે પાર્ટી માટેજવાનું થાય તો ઘરે થી સારી માત્રામાં તરુણો ફળ ખાઈ ને જાય એવો આગ્રહ રાખો. • ચોકલેટ, આઈસ ક્રીમ, કોલ્ડ ડ્રિંકસ, તળેલા ચિપ્સ, પેકેટ ના નાસ્તા, બેકરી પ્રોડક્ટ્સ વિ. બધું ખૂબ વધુ પ્રમાણ માં કેલરી આપે અને નુકસાનકારક પ્રિઝરવેટિવ્ઝ ધરાવે જે સ્થૂળતા નું કારણ હોઈ આ બધા ખોરાક ના ઉપભોગ ની માત્રા પર કન્ટરોલ રાખવો જરૂરી છે. આમ, થોડીક જાગૃતિ બાળકો ને મોટા નુકસાન થી બચાવી શકશે.


101 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page