લોકડાઉન ધીરે ધીરે ખુલી રહ્યું છે. લોકો ફરી કામ ધંધે લાગી રહ્યા છે. પણ હજી લોકોના મન માં થી ભય અને નિરાશા નો માહોલ બદલાયો નથી. ઘરમાં સતત એક વર્ષ થી વધુ નજરબંધ રહેવાનું, નકારાત્મક ખબરો સાંભળ્યા કરવાની, ખુલી હવામાં ફરવા જવાનું મળે નહિ, સતત લેપટોપ સામે બેસીને અભ્યાસ અને ઓફિસ નું કામ કરવાનું, સ્ત્રીઓને એકસરખો રાંધવાનો સ્ટ્રેસ …આ બધાનો સરવાળો અને એનું પરિણામ એટલે ' ડિપ્રેશન '… હવે ધારી લઈએ કે જીવન ની ગાડી ધીરે ધીરે પાટા પર ચડે અને લોકો ફરી સામાન્ય મનોદશા માં આવે એ માટે યોગ્ય પોષણયુક્ત આહાર મહત્વનો ભાગ ભજવે છે. આવો , આ અંકે થોડાક એવા ખાદ્યપદાર્થો વિશે માહિતી મેળવીએ જે માનસિક સ્વસ્થતા માટે અનિવાર્ય છે.
• સંતરા :- સંતરા સારા પ્રમાણ માં વિટામિન સી ધરાવે છે. વિટામિન સી સ્ટ્રેસ હોર્મોન ના ઉત્પાદન માં ઘટાડો કરે છે. સંતરા ની ખુશ્બૂ રિફ્રેશિંગ હોઈ મન ને પ્રફુલ્લિત રાખવામાં મદદરૂપ થાય છે. સંતરા ના રેષા આંતરડા સાફ રાખી અન્ય પોષકતત્વો નું તેમાં અધિશોષ્ણ વધારે છે જેથી પેટ સાફ રહે અને પૂરતા પ્રમાણ માં વિટામિન હોવાથી તન અને મન સ્વસ્થ રહે છે.
• પાલખ :- પાલખ ની ભાજી માં એક કપ માં ૧૫૭ મિલી ગ્રામ જેટલું મેગ્નેશિયમ હોય છે જે આખા દિવસ ની મેગ્નેશિયમ ની જરૂરિયાતના ૪૦% જેટલું છે. . મેગ્નેશિયમ ની ખામી ને કારણે માથાનો દુખાવો, થાક લાગવો અને માનસિક તણાવ ઉત્પન્ન થવો જેવા લક્ષણો દેખા દે છે. એથી જો પૂરતા પ્રમાણમાં અર્થાત્ રોજ ૧ કપ જેટલી પાલખ ની ભાજી નો જ્યુસ, શાક, થેપલા, મુઠીયા, સલાડ અથવા પાલખ ખીચડી કે પુલાવ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક રહે. વળી, પાલખ ની ભાજી સારા પ્રમાણ માં આયર્ન ધરાવે જે મગજ તરફ ઓકસીજન નો સપ્લાય વધારે અને મગજ ને એક્ટિવ રાખે. એથી રોજ પાલખ નું સેવન કરવું.
• ઈંડા:- ઈંડા પોતાનામાં વિવિધ પ્રકારના વિટામિન અને ખનીજતત્તવો ધરાવતાં હોવાથી ઈંડા ને ‘ કુદરતી મલ્ટી વીટામીન ‘ કહેવામાં આવે છે. માત્ર સૂર્યપ્રકાશ માંથી મળતું દુર્લભ એવું વિટામિન ડી ઈંડાના પીળા ભાગમાં થી મળી આવે છે. આ ઉપરાંત ઈંડા માં ‘ કોલાઈન ‘ નામનું દ્રવ્ય મળી આવે છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન ૨ ઈંડાનું સેવન મગજ ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
• સૂકા મેવા :- બદામ, અખરોટ, પિસ્તા જેવા સૂકા મેવા વિટામિન ઈ થી ભરપુર હોઇ સ્ટ્રેસ ને ઘટાડવા માં મદદરૂપ થાય છે. ખજૂર, અંજીર, કિશમિશ, કાળી દ્રાક્ષ લોહતત્વ થી ભરપુર છે જે મગજ ને સતત ઓકસીજન નો પુરવઠો પૂરો પાડે છે. સૂકા મેવા વિટામિન બી પણ સારા પ્રમાણ માં ધરાવે છે જે નકારાત્મક વિચારો ને દુર રાખવામાં મદદરૂપ થાય છે. દરરોજ સવારે એક મુઠ્ઠી સુકમેવાનું સેવન મગજને સ્ટ્રેસ થી દુર રાખી શકે.
• હૂંફાળું દૂધ :- રાત્રે સૂતી વખતે એક કપ હુંફાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવતી હોવાનું માનવામાં આવે છે. વળી, હુંફાળા દૂધ માં એક ચમચી મધ ઉમેરી ને પીવાથી તે ચેતાતંત્રને શિથિલ કરવામાં મદદ કરે છે અને પરિણામે ઊંઘ સારી આવે છે અને પૂરતો આરામ મેળવેલ હોય તો મન નું ચીડિયાપણું ઘટે છે. અપૂરતી ઊંઘ ને કારણે પણ મગજ ચિડિયું બને છે.
• નિયમિત વ્યાયામ :- હવે ધીરે ધીરે શહેર ખૂલ્યું છે તો ઘર માં બેસી સહેવા ને બદલે દરરોજ સવારે ૩૦-૪૫ મિનિટ હળવી કસરતો , યોગાસનો અને પ્રાણાયામ કરવાથી મન પ્રફુલ્લિત રહે છે. કાર્ડિયો કસરતો દ્વારા મગજ માંથી હેપી હોર્મોન સેરોટોનિન અને એન્ડોરફિન ઉત્પન્ન થાય છે જે મન ને ખુશ રાખવા માટે જવાબદાર છે.
• આ ઉપરાંત પોઝિટિવ સેલ્ફ ટોક, મિત્રો ને હળવું મળવું, સરસ સંગીત સાંભળવું, રમુજી ફિલ્મો અને સિરીઝ જોવી અને નકારાત્મક સમાચારો થી દુર રહેવું જેથી હસી ખુશીથી ફરી મજાની નિયમિત જિંદગી ની શરૂઆત કરી શકીએ.
Comments