લોક ડાઉન માં સ્ત્રી સ્વાસ્થ્ય ની દેખભાળ ભાગ -૨. :-
- Purple Money
- May 17, 2020
- 2 min read
લોકડાઉન્ એટલે ઘર માં કામવાળી અને રસોઈ વાળા બહેન વગર નું જીવન. ખરું ને? એટલે ચોક્કસ આ લોક ડાઉન દરમ્યાન ખૂબ બધું કામ પહોંચ્યું હશે. ખૂબ બધી કેલરી ખર્ચાઈ હશે. વળી, એકબીજાની દેખાદેખી માં ફેસબુક અને વોટ્સેપ પર ફોટા મૂકવા માટે નિતનવા પકવાનો બનાવવાનો અને એ પકવાનો બીજા બધા કરતાં વધુ સારા દેખાય તે માટે મહેનત કરવાનો સ્ટ્રેસ તો પાછો અલગ!!! ખરું ને?
આ સ્ટ્રેસ ને પહોંચી વળવા એક સ્ત્રી , એક માતા પોતાના ખોરાક માં શું ફેરફાર કરી શકે તેનો પ્રથમ વિભાગ આપણે જોયો જેમાં શરીર માં કેલ્શિયમ અને ઈસ્ટ્રોજન વધારે તેવા ખોરાક વિશે આપણે સમજ મેળવી. હવે આ અંકે એ જ લેખ ને આગળ વધારીએ.
લોહતત્વ યુક્ત આહાર :- વધુ પડતાં કામ ના લોડ ને પહોંચી વળવા માટે શરીર માં લોહતત્વ નું પૂરતું પ્રમાણ હોય તે જરૂરી છે. લોહતત્વ ની ઉણપ હિમોગ્લોબીન ઓછું કરે છે અને ઓછા હિમોગ્લોબીન ને લીધે પુષ્કળ થાક લાગે છે. સ્ત્રીઓ માસિક સ્ત્રાવ દરમ્યાન પણ શરીર માં થી લોહતત્વ મોટા પ્રમાણ માં ગુમાવે છે. તો આ ગુમાવેલ લોહતત્વ ને પાછું મેળવવા માટે આયર્ન યુક્ત આહાર લેવો જરૂરી બને . જેમાં ખજૂર, અંજીર, કાળી દ્રાક્ષ , બીટ, લીલી ભાજી, દાડમ, ગોળ નો ઉપયોગ રોજિંદા આહાર માં યાદ રાખી ને કરવો જોઈએ. આ ઉપરાંત, પુષ્કળ ગરમી છે તો અહી લીંબુ ના શરબત માં ખાંડ ને બદલે ગોળ ઉમેરી આ શરબત નું સેવન રોજ બપોરે કરી શકાય. લોહતત્વ ધરાવતાં ખાદ્યપદાર્થો ને વિટામિન સી ધરાવતાં ખાદ્યપદાર્થો ની સાથે આરોગવાથી લોહતત્વ નો વધુ ફાયદો મેળવી શકાય છે.
વિટામિન બી ૧૨ અને બી ૯ ( ફોલિક એસિડ) :- આ બંને વિટામિનો શરીર માં લોહી ના ઉત્પાદન માટે અનિવાર્ય છે. વળી , આ બંને વિટામિન શરીર માં એનર્જી ના ઉત્પાદન માટે પણ જરૂરી છે. ફોલિક એસિડ આપણે લીલી ભાજી જેવીકે પાલખ, મેથી, કોથમીર, સરસવ ની ભાજી, ખાટા – મીઠાં ફળો, તથા દાળ અને કઠોળ માં થી મેળવી શકીએ પરંતુ વિટામિન બી ૧૨ મોટેભાગે માંસાહાર દ્વારા વધુ માત્રા માં ઉપલબ્ધ થાય છે જ્યારે દૂધ, દૂધ ની બનાવટો, ફણગાવેલા તથા આથો લાવેલા પદાર્થો માંથી થોડા અંશે મળે છે. જરૂર લાગે તો ડોકટર ની સલાહ લઈ વિટામિન બી ૧૨ અને ફોલિક એસિડ ના સપ્લિમેન્ટ્સ લઈ શકાય.
આમ, વધુ શક્તિ મેળવવા માટે, લોક ડાઉન દરમ્યાન બનાવાતી રેસિપી માં ઉપર જણાવેલ ખાદ્યપદાર્થો નો ઉપયોગ કરી નવી નવી વાનગી ઓ બનાવવા માં આવે, તો વેરાયટી, નાવીન્ય તો મળે જ પણ સાથે સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

Comments