નવરાત્રી પતે એટલે શરદ પૂનમ અને ચંદી પડવાની તૈયારી આપણા સુરતીઓ કરવા માંડે! પૂનમે ભજિયાં ને દૂધપૌંઆ અને પડવે ઘરી અને ભૂસું..વર્ષોથી સુરતીઓ ની પરંપરા રહી છે. આવો આજે શરદ પૂનમે ખાસ ખવાતા દૂધપૌંઆ નું પૌરાણિક દૃષ્ટિએ અને પોષણ શાસ્ત્ર ની દૃષ્ટિ એ મહત્વ સમજીએ.
આયુર્વેદ પ્રમાણે “શરદ ઋતુ” એ ગુજરાતી મહિના ના અંતિમ 2 મહિના ભાદરવો અને આષો નો સમયગાળો માનવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન આપણા શરીર માં પિત્ત નો પ્રકોપ થતો હોય છે. જેના કારણે જ આ સમય દરમિયાન આપણા શરીર માં પિત્ત થી થનારા રોગો નું પ્રમાણ પણ વધી જાય છે. જેમકે આ ઋતુ માં તાવ, શરીર માં ગરમી નું પ્રમાણ વધવું, ફલૂ જેવી બીમારીઓ, શરીર માં ચામડી ના વિકારો , મૂત્રમાર્ગ માં બળતરા કે ઇન્ફેકશન, એસીડીટી, જેવા રોગો વધુ જોવા મળે છે. આ ઉપરાંત મેલેરિયા, ફલૂ, ડેન્ગ્યુ, જેવા વિવિધ વાયરલ રોગો નું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.
આથી જ આયુર્વેદ માં તો આ ઋતુ ને રોગો ની માતા ગણવામાં આવી છે.
આટલું જ નહિ પરંતુ આપણા ઋષિ મુનિઓ એ શરદ ઋતુ ની શરૂઆત એટલે કે ભાદરવા મહિના માં માં પિત્ત ના વધે તે હેતુ થી દૂધ નો ખોરાક માં સમાવેશ કર્યો છે.પૌંઆ એ ઠંડી પ્રકૃતિ નો આહાર ગણાય છે. શરદ ઋતુમાં થતી બીમારીઓ માં તાવ નો પ્રકોપ વધે છે, વળી, મેલેરિયા, ડેન્ગ્યુ થી બચવા માટે પરંપરાગત રીતે પુષ્કળ ગરમ ઔષધિઓ લેવામાં આવે છે. અથવા તબીબી ભાષા માં કહીએ તો, આ રોગો મટાડવા ડોકટરો એન્ટી બાયોટીક દવાઓ તથા પેઇન કિલર દવાઓ આપે છે. આ દવાઓ શરીર માં પુષ્કળ ગરમી ( એસિડ ) ઉત્પન્ન કરે છે. આ ગરમી કે એસિડ ને ઠારવા માટે દૂધ + પૌવા જેવો ઠંડો આહાર લેવાની આયુર્વેદ માં સલાહ આપવામાં આવી છે .
હું એક ડાયેટિશિયન તરીકે હાઇપર એસિડિટી થી પીડાતાં પેશન્ટો ને વર્ષોથી દૂધપૌંઆ આરોગવાની સલાહ આપું છું અને તેના દ્વારા ચમત્કારિક ફાયદા પણ થતાં જોવા મળે છે.
આવો, દૂધપૌંવા માં રહેલા પોષકતત્વો વિશે જાણીએ..
૨૦૦ ગ્રામ દુધપૌવા નીચે પ્રમાણે ના પોષકતત્વો ધરાવે છે. .
પોષકતતત્વ્ માત્રા
કેલરી ૨૩૫ કિલો કેલરી
ટોટલ કાર્બોહાઈડ્રેટ ૩૧.૫ ગ્રામ
શુગર ૨૨.૫ ગ્રામ
ફાઇબર ૦.૭ ગ્રામ
અન સેચ્યુરેટેડ ફેટ ૯.૯ ગ્રામ
સેચ્યુરેટેડ ફેટ ૩.૮ ગ્રામ
પ્રોટીન ૭.૫ ગ્રામ
કોલેસ્ટેરોલ ૧૭.૧ મી.ગ્રામ
પોટેશિયમ ૨૯૯.૩ મી. ગ્રામ
સોડિયમ ૭૪.૭ મી. ગ્રામ
કેલ્શિયમ ૪૬૦ મી. ગ્રામ
દૂધપૌંઆ ને વધુ હેલધી બનાવવા માટે નીચેના મુજબ ના ફેરફારો તેની બેઝિક રેસિપી માં કરી શકાય.
• ફૂલ ફેટ ભેંસ ના દૂધ ને બદલે સ્કીમડ મિલ્ક નો અથવા ગાય ના દૂધ નો ઉપયોગ કરી શકાય.
• ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કરી શકાય. અલબત, ખાંડ અને ગોળ ની કેલરી માત્રા લગભગ સરખી જ રહેશે પણ ગોળ ઉમેરવાથી કેલરી ઉપરાંત આયર્ન અને કેલ્શિયમ પણ ઉમેરી શકાય.
• ઘણા લોકો દૂધ પૌવા માં સ્વાદ માટે ઘી ઉમેરી છે જેની અહી કોઈ જરૂરીયાત હોતી નથી. તો એવી એક્સ્ટ્રા કેલરી ને ટાળી શકાય.
• હવે આજકાલ વીગન અને લેકટોઝ ઇનટોલરન્સ ધરાવતા લોકો બદામ ના દૂધ અથવા સોયા મિલ્ક ના દૂધપૌંઆ ખાઈ શકે . હા, સ્વાદ માં જરૂર કોમ્પ્રોમાઈઝ કરવું પડે..!! પણ એમ કરતાં દૂધ પૌવા ની પ્રોટીન વેલ્યુ જરૂર વધારી શકાય.
છતાં ખૂબ કેલરી કોનશિયસ હોવ અને છતાં દૂધપૌંઆ નો આનંદ લેવો જ છે..તો નીચે મુજબ ની એક્સરસાઇઝ દ્વારા તેની ૨૩૦ કેલરી બાળી શકાય
૧- ૨૫ મિનિટ દોરડા કૂદવા
૨- ૪૦ મિનિટ સાયકલિંગ કરવું
૩-૩૫ મિનિટ દોડવું.
અન્ય મીઠાઈઓ ની જેમ દૂધપૌંઆ ઘી ધરાવતા ન હોય તો પ્રમાણ માં ઓછી કેલરી અને વધુ પોષકતત્વો આપે છે. વર્ષે એક વાર મન ભરી ને ખાઈ શકાય. કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ પણ થોડું વધુ અને ફાઇબર નું પ્રમાણ ઓછું હોય ડાયાબિટીસ ના દર્દીઓ એ ડાયેટીશિયન ની સલાહ મુજબ લેવા.
Comments