લો કાર્બ ડાયેટ આપને મુશ્કેલી માં મૂકી શકે !:-
આજકાલ ગુગલિયા કલ્ચર માં જે કંઈ પણ સોશીયલ મીડિયા પર આવે એ આંખ મીચી ને ફોલો કરતાં લોકો માં ઝીરો કાર્બ અથવા નો કાર્બ અથવા લો કાર્બ ડાયેટ લઈ ને વજન ઉતારવાની રીતસરની હોડ જામી છે. કોઈ એક ને ફાયદો થાય, તો એ જોઈ ને સૌ એ દિશામાં આંખ મીચી ને દોડવા માંડે છે. દરેક વ્યક્તિ ની મેડિકલ કન્ડીશન ને અનુરૂપ એમની પોષકત્ત્વો ની જરૂરિયાત જુદી જુદી હોય એથી કોઈ એક વ્યક્તિ ને ફાવી હોય એવી આહાર શૈલી બીજા ને માફક ન પણ આવે. અને બીજાનું અનુકરણ કરવામાં આ પ્રકાર ની ઝીરો કાર્બ ડાયેટ શૈલી ફોલો કરવામાં આવે, તો તેના ગંભીર પરિણામ આવી શકે.
આ માટે પહેલાં જોઈએ કે ઝીરો કાર્બ કે નો કાર્બ ડાયેટ એટલે શું ?
કાર્બોહાઈડ્રેટ એ શરીર માં એનર્જી માટેનો પ્રાથમિક સ્ત્રોત છે. કાર્બોહાડ્રેટ યુક્ત ખોરાક ખાવાથી શરીર ને તરત જ ઊર્જા પ્રાપ્ત થાય છે. જો વધુ પડતો કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક લેવામાં આવે તો જરૂરિયાત જેટલી કાર્બોહાઈડ્રેટ શરીર વાપરે છે અને વધારે કાર્બ નો ચરબી બની શરીરમાં સંગ્રહ થાય છે.
વૈજ્ઞાનિકો ના મતાનુસાર જો ખોરાક માં થી કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બ ની બાદબાકી કરી દેવામાં આવે, તો શરીર જમા થયેલી ચરબી નો ઊર્જા માટે ઉપયોગ કરે અને શરીર ની ચરબી ઓછી થાય.
' કિટો ડાયેટ ' જેવી કેટલીક આહાર શૈલીઓ માં કાર્બોહાઈડ્રેટ નું અતિશય ઓછું પ્રમાણ હોય અને ફેટ તથા પ્રોટીન યુક્ત પદાર્થો નો સમાવેશ કરવામાં આવ્યો હોય. એથી કાર્બોહાઈડ્રેટ ની ગેરહાજરી માં શરીર ચરબી બાળે અને વજન ઉતરે. વળી, કેટલાક ડાયાબિટીસ ના દર્દીઓ પણ શુગર વધી ન જાય એ માટે ખોરાક માં થી કાર્બ નું પ્રમાણ ખૂબ ઘટાડી દે.
એક સ્વસ્થ પુખ્ત વય ની વ્યક્તિ એ એક દિવસ માં સરેરાશ ૨૨૫ ગ્રામ જેટલી કુલ કાર્બોહાઈડ્રેટ લેવી જોઈએ. આ કાર્બ બે પ્રકારના હોય . સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ.
સિમ્પલ કાર્બોહાઈડ્રેટ માં રેષા નું પ્રમાણ ખૂબ ઓછું હોઈ તરત જ લોહી માં શુગર નું પ્રમાણ વધારે. મેંદા ની vangi, ખાંડ, મીઠાઈઓ, ચોકલેટ, આઈસ ક્રીમ જેવા પદાર્થો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે.
કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ:- આ પ્રકાર ની કાર્બોહાઈડ્રેટ માં રેષા પુષ્કળ પ્રમાણ માં હોય છે અને જે લોહીમાં તરત શુગર ભેલવતા નથી. અનાજ, ફળો, શાકભાજી વિ. કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે.
Insert picture
કાર્બ કેવા પ્રકારના ખોરાક દ્વારા મળે?
Insert picture
પરંતુ શરીર ને કાર્બોહાઈડ્રેટ ની અમુક ચોક્કસ માત્રા માં રોજ જ જરૂર હોય. જો પૂરતા પ્રમાણ માં કાર્બોહાઈડ્રેટ ખોરાક માં ન લેવામાં આવે તો નીચે પ્રમાણે ની તકલીફો સર્જાય શકે. અથવા એમ કહી શકાય કે જો નીચે મુજબ ના લક્ષણો દેખાય તો શરીર માં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ ઘટયું છે એમ સમજવું :-
1. માથા નો દુખાવો:- કેટલીક વાર, કાર્બ ઓછું લેવાથી લોહીમાં શુગર નું પ્રમાણ ઘટે. ઓછી શુગર ના પરિણામે માથા નો દુખાવો થઈ શકે. જ્યારે સતત માથા નો દુખાવો ખાસ કરી ને માથા ના પાછલા ભાગ માં થતો હોય તો સમજવું કે આપની શુગર ઘટી ગઈ છે.
2. ઠંડી લાગી ધ્રુજારી આવવી :- જ્યારે બહારનું વાતાવરણ ખૂબ ઠંડુ ન હોય, આપને તાવ ન હોય અને છતાં શરીર માં ધ્રુજારી આવતી હોય તો શક્ય છે કે આપણી શુગર ઘટી ગઈ હોય. કાર્બોહાઈડ્રેટ નું કાર્ય શરીર ને ગરમ આપવાનું છે.
3. મોં માં થી વાસ આવવી :- કાર્બોહાઈડ્રેટ ના અભાવે શરીર ફેટ ને બાળે અને આ ફેટ બળવાને કારણે લોહી માં કિટોન નામના રસાયણો ભળે છે. આ રસાયણો તીવ્ર વાસ ધરાવતાં હોય છે. જે વાસ મુખ દ્વારા અનુભવી શકાય છે.
4. કબજિયાત :- ફળો અને શાકભાજી માં કુદરતી રેસા અને સારા પ્રમાણ માં કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ આવેલા હોય છે. નો કાર્બ ડાયેટ માં ફળો નો સમાવેશ થતો નથી. જે કારણે કબજિયાત થવાની સંભાવના રહેલી છે.
5. ચીડિયાપણું :- મગજના કોષો ની ક્રિયાશીલતા માટે ગ્લુકોઝ અનિવાર્ય છે. ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણ માં ન મળવાથી મગજ ના કોષો માં તણાવ વધે છે જેના કારણે સ્વભાવ માં ચીડિયાપણું આવે છે.
6. ડિપ્રેશન :- પૂરતા પ્રમણમાં કાર્બોહાઈડ્રેટ ન મળવાથી મગજ ની કાર્યશીલતા ધીમી પડે છે અને ચેતા કોષો યોગ્ય પ્રમાણ માં સંદેશા નું વાહન કરતાં નથી જેના કારણે ડિપ્રેશન નો ભોગ બની શકાય. નકારાત્મક વિચારો સતત આવે તો કદાચ મગજ ના કોષો માં ગ્લુકોઝ ની ઉણપ હોઈ શકે.
7. સતત ભૂખ લાગવી :- કાર્બોહાઈડ્રટ નું મહત્વ નું કાર્ય ભોજન બાદ સંતુષ્ટિ આપવાનું છે. જો ભોજન માં યોગ્ય પ્રમાણ માં અનાજ, શાકભાજી હોય, તો એ આપણને સંતોષ ની અનુભૂતિ કરાવે છે. કાર્બ ના અભાવે આપણું પેટ ભરાય પણ ' મન ' ભરાતું નથી. એ કારણે થોડા થોડા સમય બાદ ' કંઇક ખાવું છે ' ની લાગણી થાય અને એવા સમયે શરીર માટે બિનજરૂરી એવી ચોકલેટ, કેક, આઇસ ક્રીમ જેવી વાનગીઓ આપણે ઝાપટી લેતાં હોઈએ છીએ.
8. કસરત દરમ્યાન થાક લાગવો :- આપણે જોઈ ગયા કે કાર્બોહાઈડ્રેટ એ ઊર્જા મેળવવા માત્ર નો ત્વરિત સ્ત્રોત છે શરીર ને જ્યારે જ્યારે ઊર્જા ની જરૂર પડે છે ત્યારે સૌ પ્રથમ શરીર માં સંગ્રહાયેલી કાર્બોહાઈ્રેડથી એનર્જી મેળવે અને ત્યાર બાદ વધુ કસરત કરવાથી ફેટ અને સ્નાયુઓ માં થી એનર્જી મેળવે. અહી, કાર્બોહાઈડ્રેટ ખોરાક માં ન લેવામાં આવે , તો શરીરે ફેટ માં થી અને સ્નાયુ માંથી એનર્જી મેળવવા વધારે મહેનત કરવી પડે જેથી શરીર ને થાક લાગે.
આમ, કાર્બોહાઈડ્રેટ વિશે પૂરી માહિતી મેળવ્યા વિના આંખ મીચી ને મીડિયા પર આવતા ડાયેટ પ્લાન અનુસરવાથી મોટી તકલીફો નો સામનો કરવો પડી શકે છે.
Comentarios