જી. આ પ્રશ્ન ઘણીવાર પૂછ્યું છે. ખાસ કરી ને શિયાળા માં , હવે ગાજર, વટાણા, લીલું લસણ, પાપડી, તુવેર ના દાણા , પોંક ..કેટલા બધા વૈવિધ્યસભર શાકભાજીઓ છૂટ થી અને ખૂબ સસ્તા ભાવે મળે છે...જ્યારે લોકો ને આ શાકભાજીઓ આખા વર્ષ માટે ડીપ ફ્રીઝ કરી ને સંગ્રહ કરવાની લાલચ જાગે છે ..ત્યારે હવે કોરોના ના કેર બાદ સ્વાસ્થ્ય માટે વધુ સભાન થઈ ગયેલા લોકો ના મન માં આ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે ‘ આખા વર્ષ માટે ફ્રીઝ કરી રાખેલા શાકભાજીઓ શું તેમની પોષણ માટેની ગુણવત્તા જાળવી રાખતા હોય છે કે પછી આ શાકભાજીઓ નું પોષણમૂલ્ય કાળક્રમે ઘટતું જાય છે?’
બધાં જ શાકભાજી અને ફળો નો પાક ઉતરે છે ત્યાર પછી એના પર જે પ્રક્રિયાઓ થાય છે તેની અસર તેના પોષણ મૂલ્ય પર પડે છે.
શાકભાજી અને ફળો સૌથી પહેલા એકદમ પાકી જાય એ પહેલાં થોડા કાચા હોય ત્યારે જ એમને ઝાડ / છોડ પરથી ઉતારી લેવામાં આવે છે. ત્યાર બાદ ૩-૪ દિવસ તેમના ગંતવ્ય સ્થાન સુધી ટ્રાન્સપોર્ટ માં સમય લાગે છે. આ દરમ્યાન તેઓ પૂરા પાકી જાય છે. વળી , તેમને પકવવા .અતે કેટલાક રસાયણો નો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીં કેટલાક વિટામિનો નો નાશ આ રસાયણો દ્વારા થઈ જતો હોય છે.
આ ઉપરાંત જ્યાં સુધી આપણાં ઘરો માં પહોંચે છે ત્યાં સુધી માં ઘણા બધા વિટામિનો અને ભેજ નો નાશ થતો હોય છે.
હવે ઘરે લાવ્યા બાદ શાકભાજી ને ધોઈ, ચુંટી, સમારી ને ડીપ ફ્રીઝ માં ઝીપ લોક બેગ માં મૂકતા હોઈએ છીએ.
હવે આપણે જોઈએ ફ્રોઝન ફળો અને શાકભાજી માં ફ્રીઝિંગ પ્રક્રિયા દ્વારા શા ફેરફાર થાય છે..
· શાકભાજી અને ફળો માં રહેલું વિટામિન સી એ પુષ્કળ વોલેટાઇલ એટલે કે હવા ના સંસર્ગ માં આવતાં જ ઉડી જાય તેવું વિટામિન છે. તો જેમ જેમ સમય થતો જાય તેમ તેમ વિટામિન સી નાશ પામતું જાય છે અને જો ફ્રોઝન ખોરાક ૩-૪ મહિના બાદ લેવામાં આવે તો ત્યાં સુધી માં ખોરાક પૂરેપૂરું વિટામિન સી ગુમાવી દેતા હોય છે. આથી. વિટામિન સી નો સંપૂર્ણ ફાયદો લેવો હોય તો ફળો અને શાકભાજી તાજાં જ લેવા હિતાવહ છે.
· ફળો – શાકભાજી ની એન્ટી ઓક્સિડન્ટ ગુણવત્તા માં પણ કાળક્રમે ઘટાડો થતો જોવા મળ્યો છે. આથી , ફ્રીઝ કર્યા બાદ ખાવામાં આવતાં ફળો – શાકભાજીઓ માં એન્ટી ઓક્સીન્ટ તત્વો ઘટી જાય છે.
· ફ્રોઝન શાકભાજી અને ફળો ના રંગ અને સ્વાદ માં પણ ફેરફાર થઈ જાય છે. તાજા શાકભાજી અને ફળો ના સ્વાદ અને રંગ ખૂબ જ આકર્ષક હોય છે.
· જ્યારે શાકભાજી અને ફળો નું ફ્રિઝિંગ વ્યવસાયિક ધોરણે મશીનો દ્વારા ફેકટરી માં કરવા માં આવે છે ત્યારે તેમાં વિટામિનો અને ખાનીજતત્વો જળવાઈ રહે તેની પૂરી કાળજી લેવામાં આવે છે .આ પોષકતત્વો જાળવી રાખવા માટે બ્લાંચિંગ ( શાકભાજી ને ૮૦-૧૦૦° તાપમાન ધરાવતા પાણી માં કેટલીક સેકન્ડ ડૂબાડવા માં આવે અને ત્યારબાદ બરફ ના પાણી વડે ધોઈ , સૂકવી ને પછી તેને હવાચુસ્ત કોથળી માં પેક કરવા માં આવે. )આ પ્રકારે બ્લાંચીંગ કરવાથી જે તે શાકભાજી ના પોષકતત્વો તે શાકભાજીઓ માં લોક થઈ જાય અને તેનો નાશ થતો અટકે. આથી, કેટલીકવાર ફ્રોઝન શાકભાજીઓ નું પોષણમૂલ્ય ખૂબ સરસ રીતે જળવાયેલું જોવા મળે.
· ઘરે કરતી ફ્રીઝીંગ પ્રક્રિયા માં શાકભાજી કે ફળો ને ચુંટી – સમારી ને સીધા કોથળી કે ડબા માં પેક કરી ને ડીપ ફ્રીઝ કરવામાં આવે છે. અહી આ સમારવા ,ચૂંટવા ની તથા પેક કરવાની પ્રક્રિયા માં ઘણા બધા પોષકતત્વો ને આપણે ગુમાવી દેતાં હોઈએ છીએ. એથી ઘરે ફ્રીઝ કરેલા શાક અને ફળો કરતાં કોમર્શિયલી ફ્રોઝન શાક અને ફળો માં પોષણમૂલ્ય સારું જળવાયેલું હોય છે.
હા, સૌથી મોટો મુદ્ધો એ છે કે સીઝન પ્રમાણે ના ફળો અને શાકભાજીઓ જે તે સીઝન માં જ ખવાય તે જરૂરી છે. કુદરતે દરેક ફળો અને શાકભાજી જે તે સીઝન માં જ પાકે અને તે જ સીઝન માં શરીર માટે ઉપયોગી અને સુપાચ્ય હોય તેવી વ્યવસ્થા આપણાં શરીર માં કરી છે. સીઝન વગર ના ફળો અને શાકભાજી ગમે તે સીઝન માં ખાવાથી આપણે માંદગી ને નોતરીએ છીએ. દા. ત. કેરી, તરબૂચ ઉનાળા માં ખાવાથી સરસ રીતે પછી જાય છે અને આ પ્રકારના ફળો માં રહેલા પોષકતત્વો ની આપણાં શરીર ને ઉનાળા માં ખૂબ જરૂર હોય છે. ઉનાળાની કેરી ફ્રીઝ કરી ને શિયાળા માં ખાઈએ , તો તે શરીર માં યોગ્ય રીતે પચતી નથી તથા કેરી માં રહેલા પોષક તત્વો ની આપણા શરીર ને શિયાળા માં જરૂર હોતી નથી.
શિયાળા ની પાપડી અને તુવેર જો ઉનાળા માં ખાઈએ તો એ ચોક્કસ ગેસ કરી શકે છે.
તો મારા મતે જે સીઝન માં જે શાકભાજી અને ફળો મળે તેને આખું વર્ષ ખાવાની લાલચ કરી , ઘરે ફ્રીઝ કરી પોષકતત્વો ગુમાવી ને ખાવા કરતાં..જે તે સીઝન ના ઉત્પાદનો તે જ સીઝન માં તાજા આરોગી ને પોષકતત્વો નો અને સ્વાદ નો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ.
Comments