શિયાળા માં સ્વાસ્થ્ય ની જાળવણી વાળા અંક માં આપણે વાત કરી હતી કે શિયાળામાં મળતા ફળો અને શાકભાજી ઓ નો ઉપયોગ કરી આખા વર્ષ માટેના પોષકતત્વો આ ૪ મહિનામાં મેળવી લઈએ.
આવો એ જોઈએ કે શિયાળામાં કયા કયા શાકભાજી અને ફળો તાજા, સસ્તા અને વિપુલ માત્રામાં મળે છે અને એમના દ્વારા આપણને કયા કયા પોષકત્ત્વો પ્રાપ્ત થાય છે …
• ગાજર :- ગાજર વિટામિન એ થી ભરપુર હોય છે અને આંખો ના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરી સગર્ભા સ્ત્રીઓ દ્વારા શિયાળામાં ગાજર નું સેવન આવનાર બાળકની આંખો ના સ્વાસ્થ્ય માટે ઉપકારક નીવડી શકે. શિયાળા માં રોજ ૧-૨ ગાજર નું સેવન ખાસ કરવું જોઈએ.
• આમળા :- માત્ર શિયાળા માં મળતા આમળા આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન સી સારા પ્રમાણ માં ધરાવે છે. આ ઉપરાંત આમળાનું ઐતિહાસિક મહત્વ પણ છે. કહેવાય છે કે રાજા અશોક એ બૌદ્ધ સંઘ ને પરમજ્ઞાન ની પ્રાપ્તિ ના ચિહ્ન સ્વરૂપે આમળા ની ભેટ આપી હતી. હજુ બૌદ્ધ મંદિરો ના ઘુમ્મટો પર આમળા આકાર ની ટોચ પરમ જ્ઞાન ના ચિહ્ન સ્વરૂપે જોવા મળે છે. આથી, એવું તારણ નીકળી શકે કે પૌરાણિક યુગો થી આમળા ને તન – મન ના આરોગ્ય ની ગુરુચાવી માનવા માં આવે છે. આમળા સારી માત્રા માં કોપર ધરાવે છે જે હૃદય ના આરોગ્ય માટે મહત્વપૂર્ણ ગણાય છે.
• સંતરા :- સંતરા વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ, ફોલેટ અને સારા પ્રમાણમાં પોટેશિયમ આપે જે લોહીના શુદ્ધિકરણ માટે જરૂરી એવા પોષકતત્વો છે. વળી, ખૂબ જ ઓછી કેલરી ધરાવતા વધુ રેષા ધરાવતા સંતરા પેટ ને ભરાયેલું રાખી શરીરને એનર્જી પ્રદાન કરે છે.
• બોર :- બોર, વિટામિન સી અને એન્ટી ઓક્સડન્ટસ થી ભરપુર ફળ છે. વૈજ્ઞાનિકો એ સિદ્ધ કર્યું છે કે બોર ના સેવન થી એંકઝાઇટી અને ડિપ્રેશન માં રાહત મળે છે. રોગપ્રતિકારકશક્તિ વધારી બોર પાચનતંત્ર ને સ્વચ્છ રાખે છે.
• લીલાં વટાણા:- લીલા વટાણા વિટામિન કે નો ખજાનો છે જે લોહી ની જમવાની પ્રક્રિયા માટે જરૂરી છે. આમ તો હવે બારેમાસ મળે છે લીલા વટાણા પણ શિયાળા માં મળતા લીલા વટાણા વધુ કુમળા અને પૌષ્ટિક હોય છે. ખરું જોતાં શાકભાજી અને ફળો માં પ્રોટીન ની માત્રા નહિવત હોય છે પરંતુ લીલાં વટાણા માં સારા પ્રમાણ માં પ્રોટીન ( ૧૦૦ ગ્રામ વટાણા માં આશરે ૪ ગ્રામ પ્રોટીન ) રહેલું છે. આથી વધતાં બાળકો અને સગર્ભા મહિલાઓ વટાણા નો ફાયદો ઉઠાવી શકે. અલબત, લીલા વટાણા માં સ્ટાર્ચ નું પણ સારું પ્રમાણ હોઈ ડાયાબિટીસ ના દર્દીઓ એ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ઘટે.
• લીલી તુવેર :- સ્ટાર્ચ, ફાઈબર જેવા કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન નો ખૂબ સારો સ્ત્રોત એટલે લીલી તુવેર.ખૂબ સારા પ્રમાણ માં સલ્ફર ધરાવતી લીલી તુવેર ઇન્સ્યુલીન ના ઉત્પાદન માટે અને કોષો ને લાગતા ઘસારા થી બચવા માટે ખૂબ જરૂરી.
• લીલું લસણ:- શિયાળા માં મળતું લીલું લસણ સ્વાસ્થ્ય નો ખજાનો છે. તે લોહતત્વ સારા પ્રમાણ માં ધરાવે છે. આથી હિમોગ્લોબીન ઓછું હોય તો લીલા લસણ નું સેવન જરૂર થી કરવું. આ ઉપરાંત પાચનતંત્ર ના રોગો માં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લીલું લસણ કુદરતી રીતે જ રોગપ્રિકારકશક્તિ વધારી સિઝનલ માંદગી સામે રક્ષણ મળી રહે છે.લીલા લસણ નો બહોળો ઉપયોગ હૃદય ને મજબૂત કરે છે.
• પાપડી :- પાપડી ખૂબ સારી માત્રા માં પ્રોટીન ધરાવવા ઉપરાંત ખૂબ ઉપયોગી એવા ફાઈબર ધરાવે છે જેનું મુખ્ય કામ આંતરડા ની દીવાલ ની યોગ્ય સફાઈ અને કેન્સર માટે જવાબદાર એવા વિષાણુ ઓ સામે લડત આપવાનું છે. આ ઉપરાંત, આ રેષાઓ કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે . વળી, પાપડી માં રહેલા ' આઇસો ફ્લેવોન ' સ્તન અને ગર્ભાશય ના કેન્સર સામે લડત આપે છે.
• સરસવ ની ભાજી :- સરસવ ની ભાજી માં વિશ્વ ની કોઈ પણ વનસ્પતિ કરતાં વધુ ફ્લેવેનોઇડ હોય છે જે લોહી શુદ્ધ કરી કેન્સર સામે રક્ષણ આપે છે. વળી, સરસવ ની ભાજી વિટામિન એ, ઈ,કે, બી૨, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન નો ખૂબ મોટો સ્ત્રોત છે.
આમ, શિયાળો એ ભરપુર સ્વાસ્થ્યર્ધક શાકભાજી અને ફળો નો ખજાનો આપણી સમક્ષ ધરે છે. આવો , એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને તન – મન ને સ્વસ્થ રાખીએ.
Comments