પૌરાણિક માન્યતાઓ અને ધાર્મિક કથાઓ ઘણા બધા હોળી સાથે જોડાયેલા છે અને આપણે બાળપણ થી સાંભળતા આવ્યાં છીએ. હોળી એટલે બે ઋતુઓ નો સંધિકાળ..શિયાળા નો અંત અને ઉનાળા ની શરૂઆત, રાત્રિ ટુંકી અને દિવસો લાંબા થવાની શરૂઆત, ભયંકર ગરમી ની શરૂઆત તો રસ સભર મીઠાં ફળો આવવા ની શરૂઆત, શહેર ના રસ્તાઓ ની આસપાસ વાવેલા જાપાની ચેરી બ્લોસમ , કેસુડો અને દુર્લભ થઈ ગયેલા ગરમાળા ના ફાલવા ની શરૂઆત... અહી, માર્ચ અને એપ્રિલ મહિના દરમ્યાન આપણે ભારત માં વસંત ઋતુ નો અનુભવ કરી છીએ અને આ જ વસંત ઋતુ માં આપણે અધર્મ પર ધર્મ ના વિજય ના પ્રતિક સમા હોળી ના પર્વ ને ઉજવીએ છીએ.
ધાર્મિક વાયકા :- કહેવાય છે કે રાજા હિરણ્ય કશ્યપ એ તેના પુત્ર પ્રહલાદ ને આઠમ થી લઇ પૂનમ સુધી ખૂબ યાતના ઓ આપી હતી. ત્યારબાદ હોળી ના દિવસે પોતાની બહેન હોલિકા ના ખોળામાં પ્રહલાદ ને બેસાડી એનું દહન કરવા માગ્યું પરંતુ અસત્ય પર સત્યનો જય સ્વરૂપ પ્રહલાદ ને કઈ ન થયું અને હોલિકા નું દહન થઈ ગયું. આ વિજય પર્વ ને લોકો એકબીજા પર પાણી છાંટી એક બીજા ના મન નો અગ્નિ શાંત કરી અને રંગો ની છોળો ઉડાડી ઉજવે છે.
હોળી એટલે ફાગણ સુદ પૂનમ. એવું કહેવાય છે કે હોળી પહેલાં ના આઠ દિવસ થી એટલે કે હોળાષ્ટક થી સૂર્ય, ચંદ્ર, મંગલ, ગુરુ, શુક્ર અને રાહુ ની દિશા પૂનમ સુધી વક્રી રહે છે. અહી, આ તમામ ગ્રહો વક્રી હોવાને કારણે તેમનો જીવો ના તન અને મન પર નકારાત્મક પ્રભાવ પડે છે અને એને કારણે જ ફાગણ સુદ આઠમ થી લઇ હોળી ના ( પૂનમ ના) દિવસ સુધી કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવી પણ માન્યતા છે કે આ દિવસો દરમ્યાન સૂર્યપ્રકાશની દિશા બદલાતી હોઈ રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના રહે છે. મનુષ્યોનું પાચન મંદ પડે છે અને માંદગી આવે છે.
આવા સંજોગો માં આહાર વિહાર નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને. આપણા શાસ્ત્રો માં ઋતુઓ પ્રમાણે ખોરાક માં ફેરફાર કરવાનું ખૂબ સરળ રીતે સમજાવ્યું છે જે રીત રિવાજો તરીકે આપણે હજુ સુધી પાળતાં આવ્યા છીએ. એવી જ રીતે હોળી ના તહેવાર માં અમુક ચોક્કસ પ્રકાર નો ખોરાક આપણે પેઢી દર પેઢી લેતા આવ્યા છીએ. આવો આ ખોરાક નું આહાર શાસ્ત્ર ની દૃષ્ટિ એ મહત્વ સમજીએ.
· કુદરત ની કરામત :- આ માટે કુદરતે ખૂબ સરસ વ્યવસ્થા કરી આપી છે. આ વસંત ઋતુ માં ખૂબ રસદાર અને વિટામિન સી થી ભરપુર ફળો પાકે છે જે પુષ્કળ ગરમી માં શરીર ને પાણી પૂરું પાડે અને શરીર ની રોગપ્રતિારકશક્તિ ખૂબ વધારે. આ ઋતુ માં સંતરા, તરબૂચ દ્રાક્ષ જેવા રસ થી છલોછલ ફળો પાકે. આ ફળોનો ભરપુર ઉપયોગ આ દિવસો માં કરવો જોઈએ.
· જુવાર ની ધાણી :- અહીં મોટેભાગે હોળી નો લોકો ઉપવાસ રાખે છે અને પૂજા બાદ માત્ર જુવાર ની ધાણી આરોગે છે. જુવાર ની ધાણી માં પચવા માં ભારે એવું ગ્લુટેન નું નહિવત પ્રમાણ હોય છે. એથી તે ખૂબ સુપાચ્ય છે. ઋતુ પરિવર્તન દરમ્યાન પાચનતંત્ર નબળું પડે છે તો એવા સંજોગો માં જુવાર ની ધાણી એ પાચન ક્રિયા ને હળવી બનાવે છે.
· કાચી કેરી ના મરવા:-હોળી બાદ કાચી કેરી ના મરવા અથાણાં, શરબત , મીઠાં જોડે કાચા ખાવા નો મહિમા છે. કાચી કેરી આખા દિવસ ની જરૂરિયાત ના ૬૦% જેટલું વિટામિન સી અને ૨૧% જેટલું વિટામિન એ આપે છે. આપણે જોયું તે મુજબ ગરમી ની ઋતુમાં ફાટી નીકળતા રોગચાળા સામે પ્રતિરોધ માટે વિટામિન સી કેરી ના મરવા દ્વારા મળી રહે છે.
· શ્રીખંડ :- પરંપરાગત રીતે ધુળેટી ના દિવસે શ્રીખંડ નું જમણ રાખવામાં આવે છે. આ શ્રીખંડ એટલે વિટામિન બી ૧૨ અને પ્રો બાયોટીક્સ નો ખજાનો! આ પ્રોબાયોટીક્સ આંતરડાં ના શુદ્ધિકરણ અને આંતરડામાં થતાં વિટામિનો ના અધિશોષ્ણ ને વેગ આપે છે. જેથી ઇમ્યુનિટી માં વધારો થાય છે.
હજુ બીજા ઘણા ખાદ્યપદાર્થોને આપણે આપણા ઉત્સવો માં પરંપરાગત રીતે ઉમેરીએ છીએ એ સૌ પાછળ કોઈ ને કોઈ ધાર્મિક માન્યતા હોય છે અને આ માન્યતા ઓ પાછળ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છુપાયેલું હોય જ છે. તો આ છુપાયેલા વિજ્ઞાન ને અનાવૃત કરીને આપ સૌ વાચકો સમક્ષ મુકવાનો હમેશ પ્રયાસ રહેશે.
બાકી, આ હોળી એ જાત ને અને વાતાવરણ ને બચાવી, યોગ્ય આહાર પરિવર્તન કરી તહેવાર ની મજા માણીએ. હોળી ની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Comments